દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઇ

  • ચુંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે તેને પોતાની જવાબદારી સમજીને ઉત્સાહપુર્વક અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવાથી તે સરળ બની જાય છે. જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે

દાહોદ,લોકસભા સામાન્ય ચુંટણી 2024 ને ધ્યાને રાખી પોલિંગ બુથ પર નિમણુંક કરવામાં આવેલ દાહોદ જીલ્લાના તમામ પ્રિસાઇંડિંગ અધિકારીઓને તેઓની ફરજ દરમ્યાન કરવામા આવનાર કામગીરી અંગેની પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુથી દાહોદની ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓની તાલીમ યોજવામા આવી હતી.

દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓના પ્રિસાઇંડિંગ અધિકારીઓને ચુંટણી કામગીરી દરમ્યાન સોંપવામાં આવેલી કામગીરીમાં કોઇપણ પ્રકારની સમસ્યા કે પ્રશ્ર્ન હોય તેમજ મુળ જવાબદારીથી તેઓ વધુ માહિતગાર થાય એ હેતુથી દાહોદમાં ઇજનેરી કોલેજ ખાતે પ્રિસાઇંડિંગ અધિકારીઓની તાલીમ યોજવામા આવી હતી. આ તાલીમમા જીલ્લા ચુંટણી અધિકારી યોગેશ નિરગુડેએ તમામ તાલુકાના પ્રિસાઇંડિંગ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને ચુંટણીની કામગીરીની ગંભીરતા સમજાવતા કહ્યુ હતુ કે, ચુંટણી દરમ્યાન પ્રિસાઇંડિંગ અધિકારીઓ એ મહત્વનો રોલ ભજવવાનો હોય છે, પ્રિસાઇંડિંગ અધિકારીઓની કામગીરી સૌથી મહત્વની હોય છે. જેમાં કોઇપણ પ્રકારની ભુલ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની હોય છે. ચુંટણી દરમ્યાન જો ક્યારેક કોઇ ભુલ થઈ જણાય તો તેની જાણ તૈયારીમા કરવી ખુબ જ જરૂરી છે.

જો કોઇને નાનામા નાનો પણ કોઇ પ્રશ્ર્ન કે સમસ્યા હોય તો સેક્ટર ઓફિસર જોડે મળીને તેનો ઉકેલ તાત્કાલિક પણે લાવી દેવો જરૂરી છે. એ માટે વહીવટી તંત્ર તમારી પડખે છે. આ બાબતે દરેક ઓફિસરે પોતાની જવાબદારીની જાણ હોય તે અગત્યનુ છે. તેમજ અહિથી આપવામા આવેલ પેમ્ફલેટ તેમજ પ્રિસાઇન્ડીંગ અધિકારીની પુસ્તિકા જેવા મટીરિયલ્સનુ ધ્યાનથી વાંચન કરવુ જોઇએ. ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, ઇ સી આઇ ની વેબ સાઇટ પરથી મોટાભાગની જાણકારી મળી રહેશે. ઇવીએમની જવાબદારી સાથે સાવચેતી પણ એટલી જરૂરી છે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ચુંટણી એ રાષ્ટ્રીય તહેવાર છે, તેને પોતાની જવાબદારી સમજીને ઉત્સાહપુર્વક અને એકબીજાના સંકલનમાં રહીને કામગીરી કરવાથી તે સરળ બની જાય છે. એમ જણાવતા તેમણે પોલિંગ સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓ અંગેની સમગ્રતયા તૈયારી અંગેની સમીક્ષા કરી હતી. એ સાથે ચુંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા ચુંટણી કામગીરીમા હજી પણ થોડો વધુ સુધારો લાવવા સહિત કોઇપણ પ્રકારની કચાસ રહી ન જાય તેની તકેદારી રાખવા જરૂરી સુચના આપવામા આવી હતી.

આ તાલીમ દરમ્યાન નાયબ ચુંટણી અધિકારી હેતલબેન, દાહોદ પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, નાયબ મામલતદાર ઓ સહિત મોટી સંખ્યામા પ્રિસાઇન્ડીંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.