દાહોદના ડોકી મેદાન ખાતે વડાપ્રધાને જંગી જનમેદનીને સંબોધી

  • જનતા જનાર્દન જ મારા ઈશ્ર્વર છે તેમના દર્શન કરવા આવ્યો છું :- વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
  • વડાપ્રધાન મોદીએ ભાજપના ઉમેદવારો તરફે ભારે મતદાન કરી પટેલના નેતૃત્વ વાળી સરકારને પુન: બનાવવા મતદારોને કરી અપીલ.

દાહોદ,

મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિશાળ જનમેદનીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો તરફે જંગી મતદાન કરી પૂન: ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ભાજપ સરકારને વિજય બનાવવા જનમેદનીને અપીલ કરી હતી.

દાહોદ ખાતે ચૂંટણી સભા કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના આગમનને લઈ છેલ્લા ચાર પાંચ દિવસથી તૈયારીઓ ચાલતી હતી. લગભગ 1600 જેટલા પોલીસ કર્મીઓની કડક સુરક્ષા વચ્ચે આજરોજ બપોરના ત્રણ વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના ડોકી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા.જ્યાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ તેમજના શીર્ષ નેતૃત્વના મંડળને હેલિપેડ ખાતે મળ્યા હતા. ત્યારબાદ સભામાં ભેગી થયેલી વિશાળ જનમેદનીને સંબોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પ્રથમ તેમના સ્વાગત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ચૂંટણી સભા સંબોધવાની શરૂ કરી હતી. લગભગ 36 મિનિટ જેટલી ચાલેલી આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રારંભિક દિવસોમાં વિતાવેલા દિવસોને યાદ કર્યા હતા. ત્યારબાદ તેઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડ્યાનો હિસાબ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વિધાનસભામાં પ્રારંભિક દિવસોમાં પરેલ ખાતે તેમજ ઝાલોદ ખાતે વિતાવેલા સંઘર્ષમય દિવસોને યાદ કર્યા હતા. સાથે સાથે તેમને દાહોદ પ્રત્યે પોતાની લાગણી અને ઋણ અદા કર્યાની વાતો કહેતા સ્માર્ટ સિટી, દાહોદ રેલવે પ્રોડક્શન યુનિટ, અંતર્ગત 20,000 કરોડના કામો, બુલેટ ટ્રેન ડિજિટલ પેમેન્ટ એગ્રીકલ્ચરમાં ક્રાંતિ, 108 ગામડે ગામડે પહોંચાડી, આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદમાં પોલિટેકનિક કોલેજ,બીમાર અને જરૂરત મંદ લોકોને આયુષ્માન કાર્ડ તેમજ મા કાર્ડ અંતર્ગત દર વર્ષે પાંચ લાખની સહાય, વેલનેસ સેન્ટરો, સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા પુરી પાડવા, રોડ રસ્તા, રેલવેમાં જાહેર કરાયેલી સુવિધાઓ, સહીત યોજનાકીય લાભો આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લામાં પહોંચાડી પોતાના સંઘર્ષ સમય દિવસોમાં દાહોદ ખાતે વિતાવેલા દિવસોમાં ઋણ અદા કર્યું તેમ કહ્યું હતું.આ તબક્કે પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતાં કીધું હતું કે, એક ભાઈ પદ માટે યાત્રા કાઢી રહ્યો છે. યાત્રા કાઢવાઓની કશું ના થાય. કોંગ્રેસ સરકારે વર્ષો સુધી સત્તા ભોગવી છે. તાલુકા પંચાયતની માંડી દિલ્હીની ગાદી સુધી કોંગ્રેસ સત્તા પર રહી છે, પરંતુ તેઓએ આદિવાસીનો ક્યારેય ભલું કર્યું નથી. આઝાદીના 75 વર્ષ પછી અમારી સરકારે આદિવાસી સમાજની દીકરીને રાષ્ટ્રપતિ બનાવ્યું છે. તેમાંય કોંગ્રેસ સરકારને વાંકું પડ્યું છે. તેઓએ રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ઉમેદવાર ઉતારી વિરોધ કર્યો હતો. તેમને પોતાના વક્તવ્યમાં ગુરૂ ગોવિંદ ને યાદ કરી કહ્યું હતું કે, 1857 ના બ્રિટિશ સામે આઝાદીની લડાઈમાં બયુગલ આદિવાસી સમાજે બજાવ્યો હતો. જેમાં દાહોદ, પંચમહાલ, ઝાલોદ, સંતરામપુર સહિતના આસપાસના આદિવાસી સમાજના વીરોએ બલિદાન આપ્યું હતું. ભલે ઇતિહાસના પન્ને તેઓને કોઈ સ્થાન ન મળ્યું હોય પરંતુ અમારી સરકારે આદિવાસી સમાજને સુખી અને સમૃદ્ધ બનાવવા કાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગવી શૈલીમાં તેઓએ મતદારોને રીજવવા કહ્યું હતું કે, તમારા વિસ્તારમાં નાનાથી મોટો થયો છું. જનતા જનાર્દન જ મારાં ઈશ્ર્વર છે. તેમના દર્શન તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરવા હું આજે આ ધરા પર આવ્યો છું. ત્યારે તેમને મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે, આગામી પાંચમી ડિસેમ્બરના રોજ લોકશાહીના પર્વે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરી અગાઉના તમામ રેકોર્ડ તોડી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ફરી એક વખત ભાજપ સરકાર બનાવવા મતદારોને અપીલ કરી હતી. તેમજ ઉપસ્થિત જનમેદનીને ઘરે જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમને પ્રણામ કર્યા છે, તેમ કહેવા જણાવ્યું હતું. અંતમાં તેઓએ દાહોદના સંગમ ટેલર ખાતે ભૂતકાળમાં તેઓના કપડા સીવડાવતા હતા. તેમને યાદ કરી તેમના પુત્રે મારા માટે જાકીટ બનાવીને ભેટ સ્વરૂપે આપી છે. તેમ કહી હું દાહોદનો જ તમારો ઘરનો વ્યક્તિ છું. તેમ કહી મતદારોને રીઝવવા માટે ભાવિક અપીલ કરી હતી.