દાહોદના દેલસર ગામે આદિત્ય રેસીડન્સીમાં રસ્તાના અભાવે ચુંંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારતા રહિશો

દાહોદ, દાહોદ તાલુકાના દેલસર ગામે આવેલ આદિત્ય રેસિડેન્સી સહિત ચાર સોસાયટીના વિસ્તારમાં વર્ષોથી રસ્તાના અભાવે અહીંના અંદાજે 400થી વધુ મકાનો છે. ત્યારે રોડ નહીં વોટ નહીંની ચીમકી સાથે આવનાર લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સ્થાનીકોમાં રસ્તાની સમસ્યાને પગલે રાજકીય પક્ષ તેમજ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

દાહોદ શહેરને અડીને આવેલ દેલસર વિસ્તાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ આદિત્ય રેસિડેન્સી તેમજ અન્ય ચાર સોસાયટીઓના કુલ 400થી વધુ મકાનો આવેલા છે. આ વિસ્તારમાં રસ્તાના અભાવે લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં ઘુટણ સમા પાણી તેમજ કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાઈ જાય છે. આ વિસ્તારમાં રોડની સાથે સાથે કચરાના ઢગલા તેમજ અસહ્ય ગંદકીથી પણ અહીંના સ્થાનીકો ભારે હેરાન પરેશાન છે. બાળકોને શાળાએ જવામાં તેમજ પ્રસુતાને હોસ્પિટલ લઈ જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો સ્થાનીકોને કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકો દ્વારા રસ્તાથી લઈ કચરાની સમસ્યાના નિરાકરણ માટે સાંસદ, ધારાસભ્ય, સરપંચ, તલાટીથી લઈ જીલ્લા કક્ષાના તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ થઈ શક્યું નથી. અહીંના સ્થાનીકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, થોડા મહિનાઓ પહેલા સાંસદ, ધારાસભ્ય સહિત સંલગ્ન તંત્રના અધિકારીઓ રસ્તાનું ખાતમુહુર્ત કર્યાને મહિનાઓ થયા પણ રોડ બનાવવામાં આવ્યો નથી. જેતે સમયે ખાતમુહુર્તના સમયે કપરા તાપમાં બેસાડવામાં આવ્યાં હતાં. અમારી સાથે છેતરપીંડી કરવામાં આવી છે. અમારી લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. ત્યારે સ્થાનીકો દ્વારા આવનાર લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરતાં જણાવ્યંન હતું કે, રોડ નહીં તો વોટ નહીંની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજકીય પક્ષો તેમજ તંત્ર ખોટા ખોટા વાયદાઓ કરી રહ્યાં છે. તેવા આક્ષેપો સાથે આવનાર લોકસભાની ચુંટણીનો સ્થાનીકોએ બહિષ્કાર કરવામાં આવ્યો છે