
દાહોદ,
દાહોદ તાલુકાના દેલસર ગામે રહેતાં કેટલાંક આદિવાસી સમાજના લોકોની જમીનોને કેટલાંક અસામાજીક તત્વો દ્વારા ખોટા અને બનાવીટ દસ્તાવેજો ઉભા કરી જમીનો પચાવી પાડી તેમજ આદિવાસી વ્યક્તિઓની જમીનો ઉપર 73-એએના નિયંત્રણો લગાવી દેતાં આ મામલે ગ્રામજનો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જમીન ઉપરથી 73-એએ ના નિયંત્રણો ગેરરીતિ પુર્વક દુર કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
દાહોદ તાલુકાના દેલસર ગામે દેવડુંગરી ફળિયામાં રહેતાં છગનભાઈ બદીયાભાઈ નિસરતા, ગેમાબેન બદીયાભાઈ નિસરતા, જેલકીબેન રામસિંગભાઈ ભાભોર, સુનામીબેન કેસીયાભાઈ ડામોર અને બેનાબેન ગેસમભાઈ નિસરતાનાઓએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, આદિવાસી વર્ગની વ્યક્તિની જમીન ઉપરથી 73- એએ ના નિયંત્રણો ગેરરિતીપુર્વક દુર કરવા બાબતે કલેક્ટરથી લઈ રાજ્યપાલ સુધી ભુતકાળમાં આ મામલે અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તેનુ આજદીન સુધી કોઈ પરીણામ આવવા પામ્યુ નથી.
અમારી જમીનને અસમાજીક તત્વો દ્વારા પચાવી પાડવામાં આવેલ છે, અમારી જમીનના બનાવટી દસ્તાવેજ ગેરરિતી પુર્વક બનાવડાવવામાં આવ્યા છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યાનુસાર ઉપરોક્ત અરજદારો, વડીલો તથા તેઓનો પરિવારજનોના સભ્યો ખ્રીસ્તી સમાજના છે તેવુ દર્શાવવામાં આવ્યું છે. ખોટા અને બનાવટી દસ્તાવેજોમાં તેઓના નામના પાછળ ખ્રીસ્તી શબ્દ ઉમેરી દીધેલ છે અને તેઓની પાસેથી જમીન પચાવી પાડેલ હોવાના આક્ષેપો કરેલ છે. ત્યારે પોતે અનુસુચિત જનજાતિના છીએ તેવુ જણાવ્યુ હતું તેમજ તેઓના વડીલનુ નામ બદીયા લાલજી ખ્રીસ્તી અને ગેસમ લાલજી ખ્રીસ્તી લખી દીધેલ છે. ત્યારે દાહોદ મામલતદાર કચેરી દ્વારા ઉપરોક્ત અરજદારોને જણાવવામાં આવ્યું હતું કે, તેઓના પરિવારના સભ્યો ખ્રીસ્તી બની ગયેલ છે, તેઓએ પોતે ખ્રીસ્તી હોવાનો એફીડેવીટ રજુ કરેલ છે માટે તમારી જમીન પરથી આદિવાસી વર્ગની જમીન પર લાગતા 73 એએના નિયંત્રણો કમી થયેલ છે. તેમ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને મામલતદાર દ્વારા સત્તા બહાર જઈ આ કૃત્યો આચરેલ હોવાના આક્ષેપો પણ કરવામાં આવેલ છે. ત્યારે આ સંદર્ભનો કેસ પ્રાંત કચેરીમાં ચાલી રહ્યો છે. તેમ છતાં અરજદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજેશ્ર્વરીબેન જતીનભાઈ પંચાલ નામક મહિલા દ્વારા ઉપરોક્ત અરજદારો વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવેલ છે. ત્યારે આ લોકો ઉપરોક્ત અરજદારોને ધાકધમકી અને મારી નાખવાની ધમકી આપી રહ્યા હોવાનુ જણાવ્યું હતું. ત્યારે આ જમીનો પોતાની મુળ માલીકીની છે અને પોતે ખ્રીસ્તી નથી અને જમીનોના દસ્તાવેજ ખોટા અને બનાવટી ઉભા કરી તેઓની જમીન પચાવી પાડ્યા હોવાના આક્ષેપો સાથે આજરોજ દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. ત્યારે પોતાને ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.