દાહોદ, દાહોદ તાલુકાના છાપરી ગામેથી પસાર થતી રેલ્વે ટ્રેક પરથી એક 18 વર્ષિય યુવક રેલ્વેના પાટા ક્રોસ કરવા જતાં તે સમયે ત્યાંથી માલગાડી પસાર થતાં માલગાડીની અડફેટે યુવક આવી જતાં ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.10મી ડિસેમ્બરના રોજ ઝાલોદ તાલુકાના રૂખડી ગામે ડામોર ફળિયામાં રહેતાં 18 વર્ષિય કીરણભાઈ મુકેશભાઈ ડામોર દાહોદ તાલુકાના છાપરી ગામેથી પસાર થતાં રેલ્વે ટ્રેક પાટા ક્રોસ કરતો હતો તે સમયે અચાનક ટ્રેક પરથી માલગાડી પસાર થઈ હતી. આ માલગાડીની અડફેટે કીરણભાઈ આવી જતાં તેઓને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યાં હતા. ત્યારે યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં દાહોદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ નજીકના સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.