દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા 178 જેટલા શંકાસ્પદ સર્વે નંબરોની યાદી સાર્વજનિક કરી હતી. જેમાં કલેકટરના નિર્દેશો અનુસાર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં 50 જેટલા કર્મચારીઓની ટીમ બનાવી 9500 પ્રોપર્ટી કાર્ડમાંથી 934 જેટલા સર્વે નંબરોની તપાસ હાથ ધરતા 178 સર્વે નંબરો શંકાસ્પદ તરીકે ગણવામાં આવ્યા છે. આમ, તો સર્વે નંબર 303 305 306 તેમજ સરવે નંબર 376/1/1/4 માં ફરિયાદ દાખલ થયા બાદ પ્રકાશમાં આવ્યું હતું. પરંતુ આની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા શરૂ થઈ હતી.પરંતુ જે દિવસે બોગસ બિનખેતી પ્રકરણમાં ફરિયાદ દાખલ થઈ તેના એક મહિના પહેલાથી જ વહીવટી તંત્રમાં તપાસનો ધમધમાટ તમામ સર્વે નંબરોમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો.
જેમાં મામલતદાર કચેરી પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ, 9 જેટલા રેવન્યુ તલાટી,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત, સીટી સર્વે, તેમજ ડી.એલ.આર,ડી. એલ. આઈ. આર.સહિત 50 જણાની ટીમ દરરોજ રૂટિન કચેરીના કામની સાથે 2010 થી 2024 સુધીના તમામ બિન ખેતીના હુકમોની ખરાઈમાં જોડાઈ હતી.જેમાં પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.જોકે કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની ઉપરોક્ત ટીમોએ બિનખેતીના હુકમોની ખરાઈ સાથે સાથે 73 એની મુક્તિમાં થયેલ હુકમોની પણ જે તે કચેરીઓમાં ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા.
જેમાં મુખ્યત્વે પાંચ જેટલી સરકારી કચેરીઓ તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત, કલેકટર કચેરી, મામલતદાર કચેરી,સીટી સર્વેમાં ઉપરોક્ત ટીમોએ તપાસનો દોર લંબાવ્યો હતો.દાહોદની 9,500 જેટલા પ્રોપર્ટીકાર્ડ માંથી વહીવટી તંત્રએ 61 જેટલા સર્વે નંબરોમાં 73અઅ, 886 જેટલા સર્વે નંબરોમાં બિનખેતી મળી કુલ 929 જેટલા સર્વે નંબરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 178 જેટલા સર્વે નંબરો શંકાસ્પદ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
હવે તમને સાદી ભાષામાં સમજાવીએ તો આ 178 સર્વે નંબરોની તપાસમાં તંત્રને ચોકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં સૌથી વધુ મામલતદાર કચેરીમાં 88 તેમજ સીટી સર્વે કચેરીમાંથી 81 સર્વે નંબરો શંકાસ્પદ તરીકે જાહેર થયા છે. અહીંયા મહત્વપૂર્ણ બાબતે છે કે સીટી સર્વે કચેરી કોઈ હુકમ નથી કરતી એમને તો સંબંધિત કચેરીમાંથી આવેલા હુકમોના આધારે એન્ટ્રી પાડવાની હોય છે. પરંતુ ચોકાવનારી બાબત એ છે કે જે 81 સર્વે નંબરો સીટી સર્વેમાંથી શંકાસ્પદ તરીકે ગણવામાં આવ્યા છે.જેમાં 66 જેટલા સર્વે નંબરોમાં તો બારોબાર જે તે કચેરીઓના બોગસ હુકમો આધારે એન્ટ્રીઓ પડી ગઈ, જેમાં સંબંધિત કચેરીમાં કોઈ જાણ જ નહોતી.
જ્યારે 9 જેટલા સર્વે નંબરોમાં જીલ્લા પંચાયત કચેરીના બોગસ હુકમોં,કલેકટર કચેરીના 3, જ્યારે પ્રાંત કચેરીના 3, બોગસ હુકમોના આધારે સીટી સર્વેમાં બારોબાર એન્ટ્રી પડી ગઈ, હવે વહીવટી તંત્ર દ્વારા જે તપાસ કરવામાં આવી છે. તેમાં મામલતદાર કચેરીમાં 124 સર્વે નંબરો સ્કેન કરવામાં આવ્યા હતા. જેમાં 36 માં સાચા હુકમો જ્યારે 88 માં શંકાસ્પદ હુકમો મળી આવ્યા હતા. તેવી જ રીતે જીલ્લા પંચાયતમાં બિનખેતીના 131 સર્વે નંબરોમાંથી 129 જેટલા સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવ્યા છે. જ્યારે બે સર્વે નંબરોમાં શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે.
પરંતુ જીલ્લા પંચાયતમાં 61 જેટલા 73એએના હુકમોની પણ ખરાઈ કરવામાં આવી હતી. જેમાં 58 જેટલા હુકમો સાચા મળ્યા હતા. જ્યારે ત્રણ સર્વે નંબરો 301/106 સર્વે નંબર 251 તેમજ સરવે નંબર 38 માં 73 એએના શંકાસ્પદ હુકમો મળી આવ્યા છે. જ્યારે સર્વે નંબર 554 સરકારી પડતર તરીકે સામે આવી છે. અત્યાર સુધીની તપાસમાં ઉપરોક્ત ટીમોમાં પ્રાંત અધિકારી દ્વારા એમજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ માર્ગ સ્ટેટ, મકાન વિભાગ પંચાયત, તેમજ હેલ્થ વિભાગના અભિપ્રાયો દ્વારા જે નોંધો પાડવામાં આવી છે. તેમાં અત્યાર સુધીમાં ફક્ત એમજીવીસીએલ દ્વારા અભિપ્રાયોની ખરાઈ થઈ ગઈ છે.
પરંતુ હજી સુધી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયત તથા હેલ્થ વિભાગ દ્વારા ખરાઈ કરવાની બાકી છે. વહીવટી તંત્રની ટીમોએ તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ હુકમો એવા પણ મળ્યા હતા. જે કચેરીમાં હાજર હતા પરંતુ તેમની કોઈપણ જગ્યાએ એન્ટ્રી કરવામાં આવી નહોતી. હવે સવાલ એ ઉભો થાય છે કે આ તો 2011 થી 2021 સુધીના રેકોર્ડમાં આટલું બધું તપાસમાં બહાર આવ્યું છે. ઇસ. 1965 થી 1985 સુધીનો રેકોર્ડ બળી ગયા છે.
આ રેકોર્ડ જે તે સમયે કેવી રીતે બળ્યા, માનવસર્જિત આગથી બળ્યા, અથવા કુદરતી રીતે લાગેલી આગથી બળ્યા તે હજી સુધી બહાર આવ્યું નથી. જોકે હાલ તો વહીવટી તંત્રની કલેકટર દ્વારા નિયુક્ત કરેલી ટિમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.જેમાં આગળ જતા ચોકાવનારા ખુલાસા બહાર આવશે. તેમાં કોઈ બે મત નથી.