દાહોદમાં ચાલુ વર્ષે એપ્રિલ માસથી જુલાઈ માસ સુધીના સમયગાળામાં દાહોદના એક બિલ્ડર તેમજ એક તબીબે ટ્રેડિંગમાં ઊંચું વળતર મેળવવાની લાલચમાં કુલ રૂપિયા 1,68, 89, 000/-ઉપરાંતની માતબર રકમ ગુમાવી સાયબર ક્રાઈમનો ભોગ બનતા સમગ્ર દાહોદ જીલ્લા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વર્તમાન સંજોગોમાં આમ આદમી રાતોરાત લખપતિ બનાવના સપના સેવવા લાગ્યો છે. તેવા સમયે લોભિયાના ગામમાં ધૂતારા ભૂખે ના મરે તે યુક્તિ તાજેતરમાં સાર્થક થતી જોવા મળી રહી છે.
દાહોદમાં ચાલુ વર્ષે સાયબર ક્રાઇમના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદના એસ.વી પટેલ રોડ પર તારીખ 1-4-2024 થી તારીખ 15-5-2024 દરમિયાન 12 જેટલા અજાણ્યા અલગ અલગ ઠગ ખાતાધારકોએ એસએમસીએમએલ બિઝનેસ સ્ટડી તથા સેટકો એન્ડ માર્ટીન વીઆઈપી સર્વિસ નામના ગ્રુપમા દાહોદના ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 64 વર્ષીય સૈફીભાઈ મોહસીનભાઈ લેનવાલાને એડ કરી સેટકો માર્ટીન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી એ.આઈ કોન્ટેન્ટિંગ ટ્રેડિંગ તથા બ્લોક ટ્રેડિંગ તથા આઇપીઓ એલોટમેન્ટ ટ્રેડિંગ પર 20થી 25 ટકા વળતર અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ બેંકોના બાર જેટલા એકાઉન્ટોમાં રૂપિયા 68,82,000/- જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ ઉપરોક્ત તમામ ઠગ ઈસમોએ ફોન વ્યવહાર બંધ કરી કોઈપણ પ્રકારનું વળતર ન આપી તેમજ ટ્રાન્સફર કરાવેલ નાણા પરત ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે દાહોદના બિલ્ડર સૈફીભાઈ મોહસીનભાઈ લેનવાલાએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈ.પી.કો કલમ 406,420, 419,114 તથા આઇટી એક્ટ કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સાઇબર ક્રાઇમનો બીજો બનાવ તારીખ 28-5-2024 થી થી તારીખ 11-7-2024 દરમિયાનના સમયગાળામાં દાહોદ આઈટીઆઈની સામે આવેલ સરકારી વસાહતમાં બનવા પામ્યો હતો. જેમાં દાહોદ સરકારી વસાહતમાં રહેતા અને વ્યવસાયે ડોક્ટર એવા 38 વર્ષીય કમલેશભાઈ પારસીંગભાઈ નીનામાને જુદી જુદી બેંકોના 14 જેટલા અલગ અલગ અજાણ્યા ખાતાધારકોએ વોટ્સએપ પર ટ્રેડિંગ કરવાના બહાને બી06-યુબીએસ- પાયોનીયર વેલ્થ સ્ટ્રેટેજી એક્સચેન્જ ગ્રુપનામનું ગ્રુપ એડ કરી કમલેશભાઈ નીનામાનાં મોબાઇલમાં 6366399577 નંબરથી લિંક મોકલી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી કમલેશભાઈ નીનામા પાસે જુદી જુદી બેંકોના સાત જેટલા ખાતામાં કુલ રૂપિયા 1,12,07,056/-જેટલી માતબર રકમ ભરાવડાવી યુબીએએએલ એપ્લિકેશનના ડેસ્કબોર્ડ ટ્રેડિંગમાં વધુ પ્રોફિટ બતાવેલ અને તે પ્રોફિટમાંથી ડોક્ટર કમલેશભાઈ નીનામાને માત્ર 12 લાખ પરત આપ્યા હતા.
અને ત્યારબાદ તેઓએ ડોક્ટર કમલેશભાઈ નીનામા સાથેનો ફોન વ્યવહાર બંધ કરી દીધો હતો. અને બાકીના રૂપિયા 1,00,07,056/- પરત નહીં આપી ડોક્ટર કમલેશભાઈ નીનામા સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ મામલે ડોક્ટર કમલેશભાઈ પારસીંગભાઈ નીનામાએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ઈ.પી.કો કલમ 406,420,419, 114 તથા આઇટી એક્ટ કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.