દાહોદના બોરવાણી ગામે પોલીસે રેડ કરી 1.23 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો : બુટલેગર ફરાર

દાહોદ, દાહોદ તાલુકા પોલીસે બોરવાણી ગામે ખાયા ફળિયામાં રહેતા બુટલેગરના કબજાવાળી સીમ વિસ્તારમાં આવેલી જગ્યા પર ઓચિંતી પ્રોહી રેડ પાડતા સ્થળ પર હાજર બુટલેગર પોલીસને ચકમો આપી નાસી જતા પોલીસે સ્થળ પરથી રૂ.1.23 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના બોરવાણી ગામના ખાયા ફળિયામાં રહેતા કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ નામના બુટલેગરના કબજાની ગામની સીમમાં આવેલ જગ્યા પર વિદેશી દારૂનો મોટો જથ્થો વેચાણ માટે સંતાડીને મુકેલ હોવાની બાતમી દાહોદ તાલુકા પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ તાલુકા પોલીસે ગત રાતના સાડા બાર વાગ્યાના સુમારે બોરવાણી ખાયા ફળીયા, ગામની સીમમાં આવેલ કમલેશભાઈ પલાસ નામના બુટલેગરના કબજાવાળી જગ્યા પર ઓચિંતી પ્રોહી રેડ પાડતા પોલીસની રેડ જોઈ બુટલેગર કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી વેચાણ માટે સંતાડીને રાખેલ રૂપિયા 1,23,840/- ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ. 984 પકડી પાડી કબજે લઈ બોરવાણી ગામના ખાયા ફળિયામાં રહેતા કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ નામના બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.