દાહોદ શહેરમાં અનેક વિસ્તારના લોકો ભરઉનાળે પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરની એક સોસાયટીમાં ગેરકાયદેસર પાણીની લાઈનનું જોડાણ પાલિકાને નજરે આવતા ચકચાર મચી જવા પામી છે. કડાણા થી દાહોદ આવતી પાણીની મુખ્ય લાઇનમાં સાઈખુશી સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા પાલિકાની ટીમે કનેક્શન દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જીલ્લામાં નકલી કચેરી, જમીન કૌભાંડ સહિતના મામલાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આવેલ એક સોસાયટીમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આખે આખી પાણીની લાઈન ગેરકાયદેસર હોવાનું પાલિકાની તપાસમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કડાણા જળાશય થી પાઇપલાઇન મારફતે પાણી દાહોદ પહોચાડાય છે અને તેના થકી દાહોદ ના ગોદીરોડ સહિતના વિસ્તારોમાં પાણી પૂરૂં પાડવામાં આવે છે. ત્યારે કડાણા થી આવતી મુખ્ય લાઇન કોલેજ તરફ થઈ સાઇખૂશી સોસાયટીમાંથી લાઇન પસાર થાય છે. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા મુખ્ય લાઇનમાં ભંગાણ કરી બારોબાર બે ઇંચ ની પાઇપ લાઇનનું કનેક્શન કરી લીધું જ્યારે પાલિકાના વોટર વર્કસના કર્મચારીઓના ધ્યાને આવતા પાલિકા પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર પહોચ્યા હતા અને ગેરકાયદેસર રીતે નાખેલ પાઇપ કાઢી લઇ કનેક્શન લેનારા લોકો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ રીતે મુખ્ય લાઇનમાંથી ભંગાણ થવાના કારણે દાહોદ મુખ્ય પાણીની ટાંકી સુધી પાણી પહોચતું નથી અને તેના કારણે લોકોને પાણી મોડું પહોચે છે, તો બીજી તરફ સોસાયટીના રહીશોનું કહેવું છે કે, કેટલાય વખત રજૂઆત છ્તાં આ વિસ્તારમાં પાણીની સુવિધા નથી કરવામાં આવી. જોકે, આ વિસ્તાર ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ના કરાતા દાહોદ નગરપાલિકામાં આવતી લાઇન માંથી લોકો એ જાતે જ કનેક્શન લઈ લીધા છે. ત્યારે પાલિકાની ટીમ દ્વારા આવા બીજા કેટલા કનેક્શન છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.