દાહોદ, દાહોદ શહેરના અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ એક ઓટો પાર્ટસની દુકાનમાં અગમ્યકારણોસર આગ લાગતાં જોતજોતામાં આગની લપેટોમાં દુકાન આવી જતાં દુકાનનો સંપુર્ણ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો ત્યારે આગની આ ઘટનામાં લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.
ગતરોજ મોડી રાત્રીના સમયે દાહોદમાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ચિરાગ ઓટો પાર્ટસની દુકાનમાં અગમ્યકારણોસર આગ લાગતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું. આગની અગનજ્વાળાઓને પગલે જોતજોતામાં આગની લપેટમાં દુકાનનો સંપુર્ણ સામાન આવી ગયો હતો. દુકાનમાં ઓળી જેવા પદાર્થો હોવાને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આગની ઘટનાને પગલે મોડી રાત્રીના સમયે દુકાનના માલિક તેમજ આસપાસના લોકોને જાણ થતાં તમામ લોકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. સ્થાનીકો દ્વારા આગને હોલવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ હોવાથી તાત્કાલિક દાહોદ ફાયર ફાઈટરના લાશ્કરોને આ આગ અંગેની જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો .ત્યારે આ આગ શોર્ટ શર્કિટના કારણે લાગી હોવાનું સ્થાનીકોમાં ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ હાલ સુધી આગ ક્યાં કારણોસર લાગી ? તેનું સાચુ કારણ હાલ જાણી શકાયુ નથી. ત્યારે આ આગમાં દુકાનમાં મુકી રાખેલ તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં લાખ્ખોનું નુકસાન થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે સદ્નસીબેન આ આગમાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.