- દે.બારીયાના ઝાબ, વડભેટ, ગરબાડાના નડવાઈ ગામેથી જથ્થો ઝડપાયો.
દાહોદ,
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ત્રણ ખેતરોમાંથી ગેરકાયદે વાવેલ લીલા ગાંજાના છોડનો કુલ રૂા.25,59,250ના જથ્થા સાથે ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.14મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાબ ગામે બોડી ડુંગર ફળિયામાં રહેતાં ચંદુભાઈ અભેસિંહભાઈ બારીયાના ખેતરમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ખેતરમાં વાવેલ ગેરકાયદે લીલા ગાંજાના છોડ નંગ. 52 જેનું કુલ વજન 127 કિલો 500 ગ્રામ કિંમત રૂા. 12,75,000ના જથ્થા સાથે પોલીસે ચંદુભાઈની અટકાયત કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.14મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસે નળવાઈ ગામે રહેતાં રામસીંગભાઈ શકરાભાઈ નળવાયાના ગામમાં આવેલ ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાંથી ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ. 44 જેનુ વજન 28 કિલો 640 ગ્રામ કિંમત રૂા. 2,86,400ના જથ્થા સાથે પોલીસે રામસીંગભાઈની અટકાયત કરી ગરબાડા પોલીસ મથકે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.14મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસે વડભેટ ગામે સિમોડા ફળિયામાં રહેતાં મગનભાઈ સાંકળાભાઈ કોળી (બારીયા) ના ગામમાં આવેલ ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાંથી ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના લીલા છોડ નંગ.77 વજન 99 કિલો 785 ગ્રામ કિંમત રૂા.9,97,850ના જથ્થા સાથે મગનભાઈની અટકાયત કરી દાહોદ એસ.ઓ.જી. પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.