દાહોદ,
આજે ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ રાખી છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને ગતરોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪માંથી આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું ફોર્મ ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર બિન હરીફ ચુંટાઈ આવ્યાંની ખબરો બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોને કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોભ, લાલચ કે કોઈ રાજકીય દબાણમાં ઉમેદવારો પોતાનું ફોર્મ ન ખેંચી લે તે માટે અને ક્યાંક પોતાના ઉમેદવાર ફરી જવાની કોંગ્રેસ અને આપમાં દહેશતને પગલે તમામ ઉમેદવાર ભુગર્ભમાં ઉતરી ગયા છે.તેમજ કેટલાક અપક્ષ ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે તેમના ઘરે પોલિસ પણ મોકલી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જોકે ૯ વોર્ડમાં ૩૬ બેઠકો પર ઉભા થયેલા ૧૬૨ ઉમેદવારોમાંથી ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે આગામી ચૂંટણીમાં ૧૪૯ ઉમેદવારો વચ્ચે જંગ જમવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોને હોર્સ ટ્રેડિંગના ભયના કારણે અજ્ઞાત સ્થળે ખસેડાયા.
દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોઈ અને ગઈકાલે કોંગ્રેસ તેમજ આપના મહિલા ઉમેદવાર દ્વારા ફોર્મ ખેંચ્યા બાદ અને અન્ય રાજકીય પક્ષોના હોર્સ ટ્રેડિંગ તેમજ અન્ય રાજકીય દબાણ વશ ફોર્મ ખેંચવાની બીકે ગઈકાલે સાંજ પહેલા જ કોંગ્રેસના ઉમેદવારોને કોઈક અજ્ઞાત જગ્યાએ મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે અપક્ષના ઉમેદવારો પણ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભુગર્ભમાં ઉતરી ગયા હતા. તેમજ કેટલાક અપક્ષના ઉમેદવારોના ઘરે પોલિસ ગઈ હોવાની ચર્ચાઓ જોરશોરથી ઉઠવા પામી છે.જોકે અપક્ષ ઉમેદવારોના આક્ષેપોના આધારે શું ખરેખર પોલીસ ઉમેદવારોના ઘરે ગઈ હતી? કે પોલીસના સ્વાંગમાં અન્ય કોઈ પક્ષના કાર્યકર્તાઓ ગયા હતા. જે ખરેખર તપાસનો વિષય બની જવા પામ્યો છે.
ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખે કુલ ૧૩ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેચ્યું….
(૧) વોર્ડ નંબર ૧ :- ઈરફાનબેગ મુર્તુઝાબેગ મિરઝા (બી.ટી.પી)
(૨) વોર્ડ નંબર ૩ :- ચેતનભાઈ ખીચડીયા સોસોદીયા (અપક્ષ )
(૩) વોર્ડ નંબર ૪ :- શીતલબેન શીતલકુમાર પરમાર (આપ)
(૪) લીલાબેન અમૃતલાલ પ્રજાપતિ (કોંગ્રેસ)
(૫) રાહુલકુમાર ભાઈલાલ પીઠયા (અપક્ષ )
(૬) ગાયત્રીબેન નરેન્દ્રકુમાર અગ્રવાલ (અપક્ષ )
(૭) વોર્ડ નંબર ૫ દશરથ શંકરલાલ પીઠાયા ( અપક્ષ )
(૮)વોર્ડ નંબર ૬ :- રીઝવાના હજી દાઉદ પાટુક (અપક્ષ )
(૯) જોહરાબેન અબ્દુલ રેહમાન દલાલ (અપક્ષ)
(૧૦) વોર્ડ નંબર ૭ :- સંજય હસમુખલાલ પરમાર (અપક્ષ )
(૧૧) વોર્ડ નંબર ૯ :- સીમાબેન નારાયણ તવર (અપક્ષ )
(૧૨) શારદાબેન મુકેશચંદ્ર બામણીયા (અપક્ષ)
(૧૩) વિજય નગીનભાઈ પરમાર (અપક્ષ )