દાહોદ,
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચ દ્વારા આજરોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને કેટલાક સીટો પર ઉમેંદવારો દ્વારા અધૂરી માહિતી પુરી પાડતા તેમના ફોર્મ રદ્દ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીપંચ સામે આક્ષેપો કરી મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આ બધા સંજોગોમાં ભાજપ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. જેમાં દાહોદ નગરપાલિકામાં ભાજપનો ખાતો ખુલવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪ માં બક્ષીપંચઉમેદવાર રીનાબેન પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવતા ભાજપ સહીત કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
વધુ મળતી માહિતી અનુસાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪ માંથી બક્ષીપંચમાંથી ભાજપના મેન્ડેટ પર રીનાબેન ધર્મેન્દ્ર ભાઈ પંચાલે દાવેદારી કરી હતી. જેમાં તેમની સામે કોંગ્રેસમાંથી લીલાબેન પ્રજાપતિ તેમજ આમ આદમી પાર્ટીમાંથી શીતલબેન પરમાર દ્વારા દાવેદારી નોંધાવો હતી. જેમાં ઉપરોક્ત બન્ને ઉમેદવારોએ આજરોજ પોતાની દાવેદારી પરત ખેંચી લેતા રીનાબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જોકે આમ આદમી પાર્ટીએ બીજેપીએ દાદાગીરી કરી ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ ખેંચવા મજબુર કર્યાના આક્ષેપ કર્યા હતા.જોકે બન્ને પાર્ટીઓ દ્વારા આક્ષેપોની વચ્ચે રીનાબેન બિનહરીફ વિજેતા જાહેર થતાં દાહોદ નગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલવા પામ્યું હતું.જયારે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ આપ પાર્ટીની ઉમેદવાર શીતલબેન ફોર્મ પરત ખેંચ્યા બાદ તરત જ કોઈને મળ્યા વગર આબુ જવા માટે રવાના થઈ જતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રિપોર્ટર : વિનોદ પંચાલ