
દાહોદ, દાહોદ શહેરમાંથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર એક ફોરવીલર ગાડીના ચાલકે એક મોપેડ પર સવાર દંપતીને અડફેટમાં લેતા જોશભેર ટક્કર મારી નાસી જતા દંપતિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના સોની વાડ ખાતે રહેતા છોટુભાઈ અગ્રવાલ અને તેમની પત્ની શાંતાબેન બંને જણા દર રવિવારે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ લખેશ્ર્વરી માતાના મંદિરે દર્શન માટે જતા હતા. ત્યારે આજરોજ રવિવારના દિવસે પણ રાબેતા મુજબ લખેશ્ર્વરી માતાના મંદિરે મોપેડ ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ દર્શન માટે ગયા હતા અને મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે જુની ચેકપોસ્ટ પરથી મધ્યપ્રદેશ થી દાહોદ આવી રહેલ એક ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોરવીલર ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવવી રહ્યો હતો. ત્યારે ઉપરોક્ત દંપતીની મોપેડ ટુ-વ્હીલર ગાડીને અડફેટમાં લેતા ઉપરોક્ત દંપતિ ટુ-વ્હીલર ગાડી પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. જેના પગલે તેઓને માથાના ભાગે, હાથે પગે તેમજ શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ મૃતક દંપતીના પરિવારજનોને થતા તેઓ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળ પર પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઉપરોક્ત મૃતક દંપતીના મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા. ત્યારે જાણવા મળ્યા અનુસાર અકસ્માત સર્જનાર ફોરવીલર ગાડીનો ચાલક ઘટના સ્થળ પર જ પોતાના કબજાની ફોરવીલર ગાડી મૂકી નાસી ગયો હતો. માર્ગ અકસ્માતને પગલે પોલીસને એક તરફનો હાઈવે રસ્તો થોડા સમય માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
