દાહોદ: મજૂરી કામના બહાને યુવકે સગીરાને ખેતરમાં લઇ જઇને આચર્યું દુષ્કર્મ

દાહોદ: દાહોદ જિલ્લાના પીપળીયા ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મજૂરી કામના બહાને યુવકે સગીરાને ખેતરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતું. એક અજાણ્યો યુવક લીમડી સર્કલ પાસેથી મજુરી કામ કરવાના બહાને સગીરાને ભોળવી બાઇક પર બેસાડી લઇ ગયો હતો. મકાઇના ખેતરમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ અને કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાએ બુમાબુમ કરતાં યુવક મોટરસાયકલ ઘટના સ્થળે મૂકીને ફરાર થયો હતો. સગીરાએ ફરિયાદ આપતાં લીમડી પોલીસે બાઇકના નંબર આધારે યુવકની શોધખોળના ચક્રોગતિમાન કર્યા હતા.

દાહોદ જિલ્લાની 17 વર્ષીય સગીરા જે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે મજુરી કામ કરતી હતી. ઝાલોદ તાલુકાના લીમડીનગર સુભાષ સર્કલ પાસે સગીરા દરરોજના જેમ ઉભી હતી અને મજુરી કામ મળવાની રાહ જોતી હતી. સગીરા તેના પરિવારને મદદરૂપ થવા માટે દરરોજ મજૂરી કામ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતી હતી.

મનમાં વાસનાનો ભાવ લઈને એક અજાણ્યા યુવકે સગીરા પર ખરાબ નજર નાંખી હતી. અજાણ્યા યુવક દ્વારા સગીરા પાસે જઈ મારે મજૂરની જરૂર છે તું કામ કરવા આવીશ? તેવું પૂછતાં સગીરાએ કામ કરવાની હા પાડી ત્યારે અજાણ્યા યુવકે સગીરાને મોટર સાયકલ પર બેસાડી લીમડીથી 15 કિલોમીટર દૂર જઈ એકલતાનો લાભ લઈને સગીરા જોડે દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે આ બનાવ સંદર્ભે સગીરાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

આસપાસના લોકો દોડી આવતા યુવક પોતાની મોટરસાયકલ ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર બનાવની જાણ સગીરાએ પરિવારને કરતા પરિવારે લીમડી પોલીસને જાણ કરી હતી. પોલીસે બળાત્કાર તથા પોસકો એક્ટ મુજબના ગુના નોંધી અલગ-અલગ ટીમો બનાવી યુવકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.