દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું ચાર દિવસ વહેલું એટલે કે ૧૧ જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમેધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતુ હોય છે. પરંતુ, રાજ્યમાં વિધિવત પ્રવેશના ૧૦ દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. લોકોએ સારા વરસાદ માટે હજી થોડી રાહ જોવી પડે તેમ છે. આજે દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી વચ્ચે સાંજના સમયે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.

અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાંજના સમયે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે છોટાઉદેપુરના ક્વાંટ ૧૫ એમએમ અને વાપીમાં ૨ એમએમ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મેઘરાજાની સવારી ગતરોજ ગુરુવારે મોડી રાત્રે આવી પહોંચી હતી. નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. લગભગ ૧ કલાક ઉપરાંત ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

નડિયાદ શહેર સહિત ડભાણ, મંજીપુરા, સિલોડ, યોગીનગર, પીપલગ વિગેરે વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદી છૂટાછવાયા ઝાપટાંઓ પડ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત નગરવાસીઓ અને ગ્રામજનો કંટાળ્યા હતા અને છેવટે વરસાદના આગમનથી લોકો હરખાયા હતા. ખાસ કરીને બાળકો ગામની ગલીઓમાં ન્હાવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. તો વળી રાત્રે ટહેલવા નીકળેલું યુવાધન પણ આ વરસાદી ઝાપટા પલળી આનંદ વ્યક્ત કર્યો છે.

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં સામાન્ય વરસાદે જ વીજ પુરવઠો ખોરવાયો હતો. મોડીરાત્રે લાઈટો આવનજાવન કરતી હતી. વરસાદ પડતા વાતાવરણમાં એકજોતા થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ વરસાદ બંધ રહ્યા બાદ બાફ અને ઉકળાટની સ્થિતિ ઊભી થઈ હતી. જોકે આજે શુક્રવારે વાતાવરણ સ્વચ્છ થયું હતું. ત્યારે હવે મેઘરાજા પોતાની ધૂંઆધાર બેટીગ કરી ગરમીથી કાયમી છૂટકારો અપાવે તેવી જિલ્લા વાસીઓએ મેઘરાજા સમક્ષ પ્રાર્થના કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શકયતાઓ છે તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ર્ચિમ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તરોમાં ૩૫ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેને કારણે ગુજરાતના ઉત્તરી અને દક્ષિણી ભાગના દરિયાકાંઠામાં આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

૨૩ જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત આજના દિવસ માટે સમગ્ર ગુજરાત રાજયમાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મયમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છુટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલે પણ ઉત્તર મય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ એક્સમાન રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યભરમાં ક્યાક ભારે તો ક્યાંક છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે.

સૌથી વધુ વલસાડના કપરાડામાં એક ઈંચથી વધુ તેમજ નડિયાદમાં પણ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૩૩ એમએમ, નડિયાદમાં ૩૩ એમએમ,ચોરાસીમાં ૨૨ એમએમ, ઉમરગામમાં ૨૧ એમએમ, તાપી જિલ્લામાં ૧૫ સ્સ્ સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.