દાહોદ શહેરના પરેલ વિસ્તારના રેલવે કોલોનીમાં આવેલા સરકારી ક્વાટર મા ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ગોરખધંધા પર્દાફાશ થયો હતો, દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ તેમજ નજમી મહોલ્લામાં દરોડા પાડી 23 જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ કરવા માટેની મોટર તથા પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરમા ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલતુ હોવાની ફરિયાદો પુરવઠા વિભાગ તેમજ મામલતદારને મળી હતી, જે ફરિયાદોના આધારે દાહોદ મામલતદાર તેમજ જીલ્લા પુરવઠા અધિકારીની કચેરીના પુરવઠા વિભાગ ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરાસીયાની ટીમ દ્વારા દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ નંબર E787 મા રહેતા ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના ત્યાં રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર, પાઇપ તેમજ ઘર વપરાશના ગેસના 9 ભરેલા અને 4 ખાલી તેમજ 3 ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો,
પુરવઠા વિભાગ તેમજ મામલતદારે દાહોદ શહેરના નજમી મોહલ્લામાં રહેતા કુતુબુદ્દીનના ઘરે રેડ કરી 5 ઘર વપરાશ ના ગેસના બોટલ તેમજ 2 કોમર્શિયલ બોટલ મળી કુલ 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા, ઉપરોક્ત બંન્ને જગ્યાએથી ઝડપાયેલા ગેસ બોટલો પુરવઠા વિભાગે સીઝ કરી ગેસ એજન્સીમા જમા કરાવી ઉપરોક્ત બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.