
- સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાનું કારસો,દયા ડાકણને ખાય તેવો ઘાટ સર્જાયો : અલ્પેશ બામણ
- ડીવાયએસપીની તપાસ દરમિયાન સીસીટીવીમાં કોઈ આવો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું નથી : ફરિયાદી ધર્મિષ્ઠાબેન.
દાહોદ,દાહોદમાં ચાર દિવસ પૂર્વે વ્યાજખોરીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જોડે મારામારીના બનાવમાં ગુનો દાખલ થયા બાદ ગઈકાલે સામાપક્ષે પણ ઉપરોક્ત દંપતિ વિરૂદ્ધ લાફાવાળી કર્યા બાદ ગડદાપાટુનો માર મારી વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપ્યાનું દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યાનું જાણવા મળેલ છે.

દાહોદમાં ચાર દિવસ અગાઉ પંકજ રમણભાઈ ટગરિયા તેમજ તેમની પત્ની દ્વારા અલ્પેશ બામણ વિરૂદ્ધ 13 લાખ ઉપરાંતની રકમ ઊંચા વ્યાજે આપી પઠાણી ઉઘરાણી કરી દંપતીને માર મારી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. જે બાદ સામે પક્ષે પણ ગઈકાલે અલ્પેશભાઈ બામણની પત્ની ધર્મિષ્ઠાબેને સામેવાળા અલ્પેશ બામણ તેમજ તેમની પત્ની વિરૂદ્ધ ધર્મિષ્ઠાબેન તેમજ તેમના સસરા તથા પતિને લાફાવાળી કર્યા બાદ ગડદાપાટુનો માર મારી ઉછીના પૈસા આપેલી બાબતમાં વ્યાજખોરીના ષડયંત્રમાં ફસાવવાનો આરોપો મૂકી પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ધર્મિષ્ઠાબેનના જણાવ્યા અનુસાર તેમના પતિ અલ્પેશ બામણે સામેવાળા પંકજ ટગરીયાને તેમના પિતાને પેરાલીસીસ તેમજ મકાનના કામ અર્થે પૈસાની જરૂર હોય સમાજના માણસને મદદ કરવા 13,00,000 રૂપિયા ઉછીના આપ્યા હતા.અને અવેજીમાં તેમના ચેક આપ્યા હતા.પરંતુ ઉછીના લીધેલા પૈસા પરત ન આપવા પડે તે માટે એક ષડયંત્ર રચી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે ગત તારીખ 24 ના રોજ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે પંકજભાઈ તેમના ઘરે આવી પૈસાની લેવડદેવડ બાબતે આપેલ ચેક બાબતે બોલાચાલી કરી તેમની પત્નીને ફોન કરી બોલાવી માં-બેન સમાની ગાળો બોલી મારા સસરા દિનેશભાઈને લાફો મારી મને તેમજ મારા પરિવારજનોને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી તમને તો વ્યાજખોરીના કેસમાં ફસાવી દઈશું તેમ કહી જતા રહ્યા બાદ મારા પતિ અલ્પેશ બામણ વિરૂદ્ધ વ્યાજખોરીનો ખોટો કેસ દાખલ કરી દીધો હતો. આ મામલે અલ્પેશભાઈ બામણની પત્ની ધર્મિષ્ઠાબેને પંકજભાઈ ટગરિયા તેમજ તેમની પત્ની વિરૂદ્ધ મારામારી અંગેની ફરિયાદ દાખલ કરાવતા દાહોદ બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત પતિ-પત્ની વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મને બદનામ કરવાનો ષડયંત્ર, સમાજમાં બેસેલા હોવાથી દયા ડાકણને ખાય તેવો ઘાટ સર્જાયો:- અલ્પેશ બામણ….
અમે વ્યવસાયે શિક્ષક હોવાથી તેમજ અમારો પરિવાર ખાનદાની સાખ ધરાવે છે. અમોએ સમાજના અને અમારા ઓળખીતા કહેવાતા પંકજભાઈ ને ખરાબ દિવસોમાં મદદ કરી તેમને મદદ કરવા માટે ઉછીના પૈસા વિશ્વાસ રાખી આપી દીધા હતાં. પરંતુ જમાનો હવે ભલાઈનો નથી. મારા સાથે દયા ડાકણને ખાય તેવો ઘાટ સર્જાયો છે. પંકજભાઈના આરોપ અને એફઆઇઆરમાં દર્શાવ્યા અનુસાર અમોએ અમારા ઘરે બોલાવી તેમને મારપીટ કરી છે. જે બાબતે ડીવાયએસપી દ્વારા અમારા ઘરમાં તેમજ બહાર લાગેલા CCTV કેમેરા જોતા અમારે ત્યાં આવું કોઈ બનાવ બન્યો ન હોવાનો સામે આવ્યું છે. જે સાબિત કરે છે તે અમે નિર્દોષ છીએ. ઉછીના પૈસા ન આપવા પડે તે માટે અમને વ્યાજખોરીના ખોટા કેસમાં ફસાવવા માટે બોગસ કેસ દાખલ કરેલ છે. આ બનાવ પછી અમારા સમાજમાં કોઈપણ વ્યક્તિ આવા વ્યક્તિઓની મદદ કરવા આગળ નહીં આવે કારણ કે આવા લોકોને મદદ કરવું અને સામેથી સમાજમાં બદનામી લેવું તે યોગ્ય નથી.