દાહોદમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી દંપતિ સહિત બાળકને માર માર્યો

દાહોદ, આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં નાના અને મઘ્ય વર્ગની મજબુરીનો લાભ લઈ વ્યાજખોરો ઉંચા વ્યાજની વસુલી કરતા હોય છે ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છતાં પણ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે.

દાહોદના લક્ષ્મીનગરમાં રહેતા શિક્ષક પંકજ ટગરીયાને થોડા સમય અગાઉ પોતાની માંદગી તથા મકાનના કામ માટે નાણાંની જરૂર પડેતા અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી રૂ.18 લાખ વ્યાજે લીધા હતા. અને ટુકડે ટુકડે રૂ.16 લાખ જેટલી રકમ આપી દીધી હતી. પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણુ કાઢી અલ્પેશ બામણ દ્વારા વારંવાર ઉઘરાણી કરી હેરાન કરવામાં આવતો હતો. બે દિવસ પહેલા રાતના સમયે અલ્પેશ બામણ દ્વારા પંકજ ટગરીયાને ફોન કરી મળવા માટે બોલાવી રસ્તામાં ગાડીની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગડદાપાટુનો માર માર્યા બાદ તેના ધરે લઈ જઈ ફરીથી માર મારવામાં આવ્યો અને આશરે બે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો ત્યારબાદ પંકજ સહિતના પરિવારજનોને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણના ધરે જતાં પંકજની પત્નિ સાથે પણ ગાળા ગાળી કરી અલ્પેશના પિતા દ્વારા તેમનુ ગળુ દબાવી માર માર્યો હતો. જયારે આ બધુ જોઈને ધબરાઈ ગયેલો તેમનો ચાર વર્ષનો પુત્ર દોડી આવતા તેને પણ લાતોથી માર માર્યો હતો. સમગ્ર મામલે પંકજ ટગરીયા દ્વારા દાહોદ બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.