દાહોદ,
દાહોદ શહેરમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી શહેરના મધ્યમાં કંપનીની બ્રાન્ચ ખોલી 102 ખાતેદારો પાસેથી કુલ રૂા.29,24,310 જેટલી માતબર રકમ પડાવ્યાં બાદ પાકતી મુદતે નિર્ધારિત કરેલ વ્યાજ સાથેના નાણાં તેમજ મુડી પરત નહીં કરી 07 જેટલા લેભાગુ તત્વોએ બ્રાન્ચ બંધ કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે 07 ઈસમો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત તેમજ છેતરપીંડી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના મધ્યમાં આવેલ ઠક્કર બાપા ચોક ફાયર બ્રિગેડની સામે સત્યમ કોમ્પલેક્ષમાં સમૃધ્ધ જીવન ફુડસ ઈન્ડિયા લીમીટેડ તથા સમૃધ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો.ઓ. સોસાયટી નામની કંપનીની બ્રાંન્ચ કાર્યરત હતી ત્યારે તારીખ 11.10.2011 થી તારીખ 24.12.2016ના સમયગાળા દરમ્યાન આ બ્રાંન્ચ દ્વારા દાહોદ શહેર તેમજ તાલુકાના આસપાસના લોકોને અલગ-અલગ સ્કીમોમાં વાર્ષિક 16 ટક વ્યાજ આપવાની લાલચ આપી કુલ 102 ખાતેદારો પાસેથી નાણાં રોકાણ કરાવ્યાં હતાં. કુલ 102 ખાતેદારોના મળી કુલ રૂા.29,24,310 જેટલી રકમ ખાતેદારો પાસેથી લઈ બચતમાં ભરાવડાવી અને પાકતી મુદતે પરત નહીં આપી દાહોદ ખાતેની આ બ્રાંન્ચની ઓફિસ બંધ કરી આ બ્રાંન્ચનું સંચાલન કરનાર મહેશભાઈ કિશનભાઈ મોતેવાર, લીનાબેન મહેશભાઈ મોતેવાર, સુનિતાબેન કિરણભાઈ થોરાટ, મહેન્દ્ર વસંતભાઈ ગડે, રજનીભાઈ ઠાકોર, પ્રસાદભાઈ કિશોરભાઈ પારસ્વાર (રહે. પુના અને મહારાષ્ટ્ર) તેમજ દાહોદ શહેરના ગોવિંદનગર ખાતે રહેતાં સંજયભાઈ નરેશભાઈ ચોપડા આ સાતેય ઈસમો બ્રાંન્ચ બંધ કરી નાસી ગયાં હતાં. ત્યારે જેતે સમયે ખાતેદારોને ઉપરોક્ત ઈસમો સુરત કોર્ટમાં મળ્યાં હતા. તે સમયે રોકાણ કરેલ નાણાં વ્યાજ સહિત પરત આપી દઈશું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આજદિન સુધી પોતે રોકાણ કરેલ નાણાં તેમજ મુડી વ્યાજ સહિત ચુકતે ન કરતાં ખાતેદારોને પોતાની સાથે છેતરપીંડી તેમજ વિશ્ર્વાસઘાત થયો હોવાનું માલુમ પડતાં આ સંબંધે દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે મેડા ફળિયામાં રહેતાં અને જેઓ પણ બ્રાંન્ચમાં નાણાં રોક્યા હતા. તે દિતાભાઈ પ્રતાપભાઈ મકવાણાએ દાહોદએ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.