દાહોદમાં રજવાડી ચા ના બે સેન્ટરો પરથી નમુના લેવાયા

દાહોદ દાહોદ શહેરમાં ચાલતા રજવાડી ચા ના બે સેન્ટરો પર દાહોદ જિલ્લા તથા સ્થાનિક ફુડ વિભાગ દ્વારા ઓચિંતી સંયુકત તપાસ હાથ ધરી ચા ના નમુના લેવામાં આવ્યા હોવાનુ જાણવા મળે છે.

દાહોદ શહેરમાં નગરજનોને શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી દાહોદ નગરપાલિકાના ફ્રુડ વિભાગ દ્વારા છાશવારે રેસ્ટોરન્ટો, લારીઓ તેમજ ફરસાણની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારે જિલ્લાના ફ્રુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તથા દાહોદ નગરપાલિકાના ફ્રુડ વિભાગ દ્વારા દાહોદમાં ચા ના શોખીનોનો શોખ પુરો કરતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા રજવાડી ચા ના બે સ્ટોલો પર સંયુકત તપાસ હાથ ધરી જુદા જુદા નમુના લઈ તપાસ માટે આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યાનુ જાણવા મળેલ છે. દાહોદ જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તથા નગરપાલિકાના ફ્રુડ વિભાગના અધિકારી પિંકલ નગરાલાવાલા તેમજ તેમની ટીમ દ્વારા પોતાને મળેલ કેટલીક ફરિયાદોને લઈને દાહોદ શહેરના યાદગાર હોટલ સામે આવેલ રજવાડી ચા સેન્ટર તથા ગોદી રોડ પર આવેલ રજવાડી ચા સેન્ટર ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અને બંને રજવાડી ચા સેન્ટરો પરથી તૈયાર ચા, અને મસ્કાબનની તપાસ કરી સંયુકત રીતે ચા, ચાનો મસાલો, બટર, જામ, વેજફેટ વગેરેના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.