ઝાલોદ તાલુકાના કારઠ ગામના કળયુગી શ્રવણે જમવાનું બનાવવા બાબતે માતાની હત્યા કરી છે. માતા અને પુત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ માતાને લાકડું તથા કડછાથી માથામાં પ્રહાર કરતા માતાનું મોત નિપજ્યું હતું. ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના કારઠ ગામે જનેતા અને પુત્રના સંબંધોને તાર તાર કરતો બનવા પામ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખેડા ફળિયામાં રહેતા વિજય બાબુ બારીયાએ ગઈકાલે સાંજના 5:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવી તેની 43 વર્ષીય માતા સુરતાબેન બાબુ બારીયા સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો.ઉગ્ર બોલાચાલી બાદ એકદમ ઉશ્કેરાયેલાં વિજય બાબુ બારીયાએ ચુલા નજીક પડેલું લાકડું ઉઠાવી પોતાની સગી જનેતા સુરતાબેનના માથામાં ઝીંકી તથા નજીકમાં પડેલો સ્ટીલના કડછો ઉઠાવી માથાના ભાગે પ્રહાર કરી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ સંબંધે કારઠ ગામના ખેડા ફળિયામાં રહેતા હુરાભાઈ હવસિંગભાઈ બારીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લીમડી પોલીસે આ સંદર્ભે કારઠ ગામના ખેડા ફળિયામાં રહેતા હત્યારા પુત્ર વિજય બાબુભાઈ બારીયા વિરુદ્ધ પોતાની સગી જનેતાની હત્યાનો ગુનો નોંધ્યો છે. બી. એન.એસ. કલમ 103(1) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.