દાહોદમાં નવા રસ્તાના નવીનીકરણ વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવવા જરૂરી

દાહોદ, દાહોદ સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે રોડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ આવા રસ્તાઓની વચ્ચે આવતા વીજ થાંભલા રસ્તાઓ બનતા પહેલા હટાવવા જરૂરી બન્યા છે. તેના પહેલા જો રોડ બની જશે તો પાછળથી નુકસાન થવાની ભિતીની સંભાવના રહેલી છે.

દાહોદ શહેરમમાં સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત જમીનની અંદરના પ્રોજેકટ લગભગ પુર્ણ થઈ ગયા છે. જેથી હવે જમીનની ઉપરની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્માર્ટસિટીમાં સિદ્ધરાજ જયસિંહ તળાવ બ્યુટિફિકેશન એક સફળ પ્રોજેકટ કહી શકાય છે. ત્યારે હવે શહેરમાં સ્માર્ટ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગત મે માસમાં જ રસ્તા પહોળા કરવા માટે 160 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. હાલ સ્ટેશન રોડ પર સ્માર્ટ રોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ વિસ્તારમાં રસ્તા પહોળા કર્યા બાદ વચ્ચે નડતા વીજ પોલ ખસેડી દેવામાં આવ્યા છે. અને તે પ્રમાણે જ કામગીરી કરવી હિતાવહ છે. બીજી તરફ અનાજ માર્કેટથી રળિયાતી બ્રિજ સુધીના રસ્તાના નવીનીકરણ માટે આખોયે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે. અને ટુંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે. બીજી તરફ આ રસ્તા ભુતકાળમાં પહોળા કરવા છતાં રસ્તાની વચ્ચે આવતા વીજપોલ ખસેડવામાં આવ્યા ન હતા. જેથી રસ્તા પહોળા કરવાનો પુરો અર્થ સરતો નથી.