દાહોદમાં નગીના મસ્જીદ દબાણમાંં તોડી પાડવાના મામલો હાઈકોર્ટમાંં જતા સુનાવણી માટે 91 દિવસની મુદ્દત લંબાવાઈ

દાહોદ, દાહોદ શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત પાંચ માસ પહેલા રસ્તા પહોળા કરવાની કામગીરી માટે શહેરના અનેક વિસ્તારોના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં શહેરના કેટલાંક મદિરો, મસ્જીદ સહિત ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ફેરવ્યાં હતા. ત્યારે તેમાં દાહોદ શહેરના મધ્યમમાં આવેલ નગીના મસ્જીદને પણ તોડી પાડવામાં આવી હતી અને આ મામલે લઘુમતિ સમાજ દ્વારા ગુજરાતની હાઈકોર્ટ સુધી પહોચતાં હાઈકોર્ટ દ્વારા અગાઉ કેટલીક મુદતો આપ્યાં બાદ સુનાવણી માટે વધુ 91 દિવસની મુદત લંબાવાઈ હોવાનું જાણવા મળે છે.

દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરી અને સ્માર્ટ રોડ બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં મોટાપાયે ડિમોલેશનની કામગીરી વહીવટી તંત્ર, સ્માર્ટ સિટી, અને નગરપાલિકા, દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટેશન રોડ ઉપર આવેલા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો પોસ્ટ ઓફિસ સામેના પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો અને નગરપાલિકા ચોક સામેના પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો રોડ પહોળો કરવાની યોજના અંતર્ગત તોડી પડાયા હતા અને બીજા તબક્કામાં અંજુમન હોસ્પિટલની સામેની નગીના મસ્જિદ ટ્રસ્ટ હસ્તકની દુકાનો અને મકાનો પ્રાંત અધિકારીની આગેવાનીમાં ગેરકાયદેસર છે, તેમ કહી તોડી પડાયા હતા ત્યારે ચોથા તબક્કામાં ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં નગીના મસ્જિદ અને છાબ તળાવની પાળ પર આવેલા ત્રણ વિવિધ મંદિરોની સાથે એક દરગાહને પણ ડિમોલેશન કરાઈ હતી. ત્યાર બાદ આ સમગ્ર મામલો નામદાર હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુનાવણી થતા વધુ એક મુદ્દત પડતા આ મામલામાં કોઈ હુકમ ન આવતા હાલ પૂરતો આ મસ્જિદનો વિવાદ યથાવત રહેવા પામ્યો હતો.