દાહોદમાં મુસ્લીમ સમાજ ઈદ અને હિન્દુ સમાજ પરશુરામ જયંતિ ઉજવવા તડામાર તૈયારી

દાહોદ,દાહોદ જિલ્લામાં આવતીકાલે મુસ્લિમ સમાજની ઈદ અને હિન્દુ સમાજનો પરશુરામજી જન્મ જયંતિને ઉપલક્ષ્યમાં બંન્ને સમુદાયો દ્વારા પોત પોતાના તહેવારોની રંગેચંગે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ કરી દીધી છે. શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમીતીની બેઠકો પણ યોજી હતી.

મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા એક માસથી પવિત્ર રમજાનના રોજા રાખી પોતાના અલ્લાની બંદગી કરતાં આવ્યાં છે. ત્યારે આવતીકાલે પવિત્ર રમજાન પુર્ણ થવાનો હોય અને ઈદનો તહેવાર હોય મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમુદાય દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવનાર છે ત્યાર બાદ એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી, એકબાજાનું મોં મીઠુ કરાવી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવશે. બીજી તરફ આવતીકાલે પરશુરામજીની જન્મ જયંતિ હોય તહેવાને ઉજવવા માટે હિન્દુ સમાજમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્રહ્મ સમાજ, દાહોદ અને ભુદેવ સેવા સમિતિ, દાહોદ દ્વારા પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા દાહોદ શહેરના નિર્ધારિત માર્ગો પર ફરનાર છે. ત્યાર બાદ સાંજના આઠ વાગ્યાના સમયે ભરત વાટીકા, હનુમાન બજાર, દાહોદ ખાતે પરશુરામજીની આરતી પણ કરવામાં આવશે. બંન્ને તહેવારોને અનુલક્ષીને દાહોદ શહેર તેમજ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બંન્ને તહેવારો શાંતિ પુર્ણ માહૌલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા બંન્ને સમાજો સાથે શાંતિ સમીતીની બેઠકો પણ યોજી હતી.