દાહોદ જીલ્લામાં મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રચાર કે કાપલીઓના વિતરણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું

દાહોદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન દાહોદ જીલ્લામાં તારીખ 07-05-2024 ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સુયોગ્ય જાળવણી તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકથી 200 મીટરની ત્રિજ્યામાં ચૂંટણી પ્રચાર તેમજ કાપલીઓનું વિતરણ કરવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.

જેથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાન મથકોથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવો નહીં કે પક્ષ / ઉમેદવારના ચૂંટણી ચિન્હો દર્શાવવા નહીં. ઉપરાંત મતદાન મથકોથી 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી પંચની સૂચનાનુસાર છપાયેલ હોય તે સિવાયની કોઈપણ ચૂંટણી ઉમેદવાર કે કોઈપણ પક્ષની વિગતો દર્શાવતી બિન અધિકૃત કાપલીઓનું મતદારોને વિતરણ કરવું નહીં. હરીફ ઉમેદવાર, તેમના એજન્ટ અને કાર્યકરના ઉપયોગ માટે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યા વાળા વિસ્તારથી દૂર એક ટેબલ અને બે ખુરશીઓથી વધારે ફર્નિચર મુકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામું નીચે જણાવેલ વ્યક્તિઓને લાગુ પડશે નહીં. ચૂંટણી ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓ, ફરજ પરના પોલીસ/એસ.આર.પી./હોમગાર્ડ /પેરામીલીટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોના એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ.

ઉપરોક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ સજાને પાત્ર બનશે.