દાહોદમાં માસૂમની હત્યાનો મામલો:શિક્ષણ મંત્રીએ આરોપીને કડકમાં કડક સજા થશે તેવું આશ્વાસન આપ્યું; આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું-‘ગુજરાત માટે આ દુઃખદ ઘટના’

દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ-1 ની બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બનતા ગુજરાતમા હડકંપ મચી ગયો છે. ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસુમ બાળકીના પરીવારને સાંત્વના પાઠવવા માટે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની હોડ લાગી છે, ત્યારે ગઈકાલે સત્તાપક્ષ તરફથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર પિડીત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યારે વિપક્ષના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠીયાએ પિડીત પરિવારની મુલાકાત લીધી હતી.

સીંગવડ તાલુકાની તોયણી ગામની પ્રાથમિક શાળામા 6 વર્ષિય બાળકી સાથે આચાર્યએ દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાની બનેલી ઘટનાથી દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમા ચકચાર મચી જવા પામી છે, ગુજરાતની શાળામા બનેલી ઘટનાથી શિક્ષણ જગત શર્મશાર છે, ચારેયકોર આચાર્ય પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે. બાળકીના પરિવાર સહિત કુટુંબીજનો હાલ ઘેરાશોકમા છે, ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષના રાજકીય નેતાઓ પિડીત પરિવારની મુલાકાતે આવીને સાંત્વના પાઠવી રહ્યા છે, ત્યારે ગત સાંજે 5:00 વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠીયા પીડીત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા, જયા તેમણે બાળકીને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાજલી પાઠવી હતી, અને પરિવારને આ દુઃખની ઘડીમા સાંત્વના પાઠવી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત માટે આ દુઃખદ ઘટના છે, દિકરી જે નજીકના તોયણી ગામની પ્રાથમિક શાળામા ધોરણ-1મા અભ્યાસ કરવા જતી હતી, એવી માસુમ 6 વર્ષની બાળકી સાથે શાળાના આચાર્યએ જે પ્રમાણે બળાત્કારનો પ્રયાસ અને ત્યારબાદ હત્યા કરી દેવાની ઘટના સાભળતા કંપારી છૂટી જાય છે, ત્યારે આવુ જઘન્ય અપરાધની ઘટનાનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમા ચલાવીને આરોપી આચાર્યને ફાંસીની સજા મળવી જોઇએ.

વધુમા ઈશુદાન ગઢવીએ ગુજરાતની ભાજપ સરકારના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ઘટના બાદ ગુજરાતના મુખ્યપ્રધાને ટ્વિટ કરી અને લેટરો લખીને તે રાજ્યની ઘટનાની નિંદા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી, જ્યારે ગુજરાતમાં જ એક 6 વર્ષિય માસુમ બાળકી પર શાળાના જ આચાર્ય પોતાની કારમા જ બાળકી પર બળાત્કારનો પ્રયાસ કરી હત્યા કરી દે છે ત્યારે ગુજરાતમા બનતી ઘટના પર ગુજરાત સરકારના મુખ્યપ્રધાન કંઈ જ બોલવા તૈયાર નથી.

ગુજરાતના મુખ્યપ્રધાને અન્ય રાજ્યના મુખ્યપ્રધાનને સલાહ આપવાના બદલે પોતાના રાજ્ય ગુજરાત પર ધ્યાન આપવુ જોઈએ અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા કાર્યવાહી કરવાની જરુર છે. સાથે ગુજરાતની અંતરિયાળ વિસ્તારની શાળાઓને CCTVથી સજ્જ કરવા માટેની માંગ કરી હતી. ઈશુદાન ગઢવીની મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીઆ, સંગઠન મંત્રી નરેશ બારીઆ ઉપસ્થિત રહ્યા હતા.

સત્તાપક્ષમાંથી દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પિડીત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરે મૃતક બાળકીને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાજલી અર્પણ કરી હતી, અને પિડીત પરિવાર સાથે મુલાકાત કરી હતી. શિક્ષણ મંત્રીએ પરિવારને સાંત્વના પાઠવી દોષીત નરાધમ આચાર્યને ફાંસીની સજા મળે તે માટે આશ્વાસન આપ્યું હતું.

પિડીત પરિવારની મુલાકાતે પહોંચેલા શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તોયણી પ્રાથમિક શાળામા જે ઘટના બની છે તેને લઈને દુઃખ વ્યક્ત કરૂ છું. આવી ઘટના શિક્ષણ જેવા સભ્ય સમાજ માટે શરમજનક બાબત છે, અને મૃતક બાળકીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે, સાથે આ ઘટનાનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવીને કડકમા કડક સજા થાય અને ભવિષ્યમા આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે, આવનાર સમયમા સરકાર જાતિય સતામણી માટે વિધેયક વિધાનસભામા લાવવા જઈ રહી છે, રાજ્યમા કેજી થી લઈને પીજી સુધીના 1.50 કરોડ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે, જે પુરેપુરી રીતે અને નિભાવીશું,

સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીને પોતાની કારમાં બેસાડી દુષ્કર્મનો પ્રયાસ કરી બાળકીને મોતને ઘાટ ઉતારનાર આચાર્યને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી ઘટનાની તપાસ માટે 04 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રીમાન્ડ ગત રોજ પુરા થતા ફરીથી તેને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ લીમખેડામાં રજૂ કરવામાં આવ્યો હતો, પોલીસે ઘટના સંદર્ભે આરોપી પાસેથી હજી તપાસ કરવાનું બાકી હોવાનું જણાવી વધુ રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે સાડા ત્રણ દિવસના રિમાન્ડ એટલે કે સોમવારે બપોર સુધીને રીમાન્ડ મંજૂર કર્યા છે.