દાહોદમાં મનરેગાના કામમાં મૃત્યુ પામેલા માણસો આવ્યા : બોગસ લેબર પેમેન્ટનો સ્પેશિયલ રિપોર્ટ

દાહોદ,દાહોદ જીલ્લામાં મનરેગાનો ભ્રષ્ટાચાર જાણી અને સમજી અને પુરાવા જોઈ ચોંકી જશો, સાંભળ્યું છે કે, ક્યારેય મરેલા માણસો મજૂરી કરવા આવે? આ વાત શક્ય જ નથી પરંતુ દાહોદ જીલ્લામાં ભ્રષ્ટાચારની ટોળકીએ મનરેગા યોજનામાં મૃતક માણસોના નામે લેબર પેમેન્ટનુ કૌભાંડ આચર્યું છે. વર્ષ 2017 માં મૃત્યુ પામેલા માણસોને વર્ષ 2019 માં મનરેગા હેઠળ લેબર કામમાં લાવવામાં આવ્યા છે. બોગસ લેબરોના નામે પેમેન્ટ કરી મનરેગા કાયદાનો સરેઆમ ભંગ કર્યો છે. મૃતકનો નામે પેમેન્ટ થાય તો સીધી પોલીસ ફરિયાદ દાખલ કરવાની જોગવાઈ છતાં આરોપીઓ વધુને વધુ ભ્રષ્ટાચાર આચરતા રહ્યા છે, જાણીએ દાહોદના ફતેપુરા તાલુકામાં મનરેગા હેઠળનો ભ્રષ્ટાચારનો સ્પેશિયલ રિપોર્ટ.

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં અગાઉ મનરેગા હેઠળનો ભ્રષ્ટાચાર બહાર આવતાં એકસાથે અનેક ભ્રષ્ટાચારી કર્મચારીઓ સસ્પેન્ડ થયા હતા. એ વખતે ભલે જે કોઈ કારણસર સસ્પેન્ડ થયા પરંતુ હવે અહીં જે રિપોર્ટ રજૂ કરીએ છીએ એમાં સસ્પેન્ડ નહિ ગુનો દાખલ કરવો પડે તેવું કાંડ આચરવામાં આવ્યું હતું. વર્ષ 2019 માં ફરજ બજાવી ચૂકેલા ફતેપુરા મનરેગાના ભ્રષ્ટ ટોળકીના સભ્યો અને મળતિયાઓએ એકબીજાના મેળાપીપણામાં ભયંકર ભ્રષ્ટાચાર કર્યો હતો. મૃત્યુ પામેલા માણસોને જીવતાં કરી તેમને લેબર બનાવી સરકારી ચોપડે રોજગારીની માંગણી અને રોજગારીના નાણાં પણ ચૂકવ્યા છે. ફતેપુરા તાલુકાના સાગડાપાડા સહિતના અનેક ગામોમાં અગાઉથી મનરેગાનુ જોબકાર્ડ ધરાવતાં લોકોને વારંવાર શ્રમિક બતાવ્યા અને મૃત્યુ થયા બાદ પણ હાજરી પૂરી લેબર પેમેન્ટ કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મનરેગા યોજના સાથે એક રાષ્ટ્રીય કાયદો પણ છે, જેમાં દરેક બાબતની જોગવાઇ અને કાર્યવાહીનો પણ ઉલ્લેખ છે. જોકે, ફતેપુરા તાલુકાના મનરેગા અને તેમના મળતિયાઓએ ભેગાં મળીને મરણ પામેલા લોકોને જીવતા બતાવી વિવિધ શ્રમ કામે આવ્યા હોવાનું કાગળ ઉપર બતાવી હાજરી પૂરી હતી. અહીં તો કેટલાક કિસ્સા રજૂ કર્યા પરંતુ દાહોદ પંથકમાં ચર્ચા છે કે, બોગસ લેબરો બતાવી પૂર્વ ડીડીઓના સમયગાળામાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો વર્ષ 2018થી 2021 સુધીનો મનરેગાનો ખર્ચ તપાસવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.