કુલપતિ, ડો. કે.બી.કથીરીયા અને પ્રાયોજના વહીવટદાર, દાહોદ . સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનીવર્સીટી, દાહોદ અને બાગાયત વિભાગ, દાહોદના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખારેક પાક પર ખેડૂત પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડો. ઘનશ્યામ પાટીલ, વૈજ્ઞાનિક, ટીસ્યુકલ્ચર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદએ ખારેકની વૈજ્ઞાનિક ખેતી વિશે તેમના સંશોધનો અને અનુભવ સાથે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં ખેડૂતોને ખારેક પાકના વાવેતર કરવા માટે ધ્યાનમાં રાખવા જેવા જરૂરી પગલાઓ વિષે ખેડૂતોને અવગત કરવામાં આવ્યા હતા.
નાયબ બાગાયત નિયામક, દાહોદ ડો. એચ. બી. પારેખ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમના પ્રયત્નોથી ખારેક પાકના વાવેતર માટે બાગાયત ખાતાની સહાય ઉપરાંત ટ્રાઇબલ યોજનામાંથી પણ સહાય આપી જીલ્લામાં ખારેકનું વાવેતર થાય તે માટે ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. એચ.એલ.કાચા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ ખારેકની ખેતીમાં મૂલ્યવર્ધન વિષે વિગતવાર ખેડૂતો સાથે પરામર્શ કર્યો હતો. સુનીલ શર્મા, લીડ બેંક મેનેજર, દાહોદએ બેન્કિંગ અને વિતરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી ખેડૂતોને રોકાણ અને કૃષિ ક્ષેત્રે વિવિધ બેન્કિંગ સેવાઓ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમનું સંચાલન ડો. જી.કે.ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કુલ 67 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. ખારેક પાકના વાવેતર અંગેની અસમંજસને કૃષિ નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ કરવાના પ્રયત્નો કર્યા હતા. દાહોદ જીલ્લાના તમામ ખેડૂતોએ નવો પાક ખારેકનાં વાવેતર માટે તૈયારી બતાવી હતી અને આ પાક દાહોદ જીલ્લાના ખેડૂતો માટે ફળદાયી સાબિત થશે એવો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો.