દાહોદમાં હીટવેવના કારણે ૨ મહિલાના મોત નિપજયાં

દાહોદ, ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અંગ દઝાડતી ગરમી હવે લોકોના જીવ પણ લઈ રહી છે. દાહોદ જિલ્લામા હીટ વેના કારણે બે મહિલાના મોત થયા છે. રાજ્યના અનેક શહેરોમાં ૪૩ ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે ત્યારે હવે ગરમીથી લોકો રેબઝેબ થઈ રહ્યાં છે.

દાહોદના ધાચીવાડ અને સીગવડનામા બપોરના સમયે ખેતરમા કામ કરતી મહિલાનું મોત થયું છે. પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે કે, ગરમીના કારણે બંન્ને મહિલાનું મોત થયું છે. અત્રે જણાવીએ કે, તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર જતા લોકોને ચક્કર આવવા, લૂ લાગવી જેના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમીમા બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

વડોદરામાં રેકોર્ડબ્રેક ૪૫ ડિગ્રી ગરમીમાં શહેર શેકાયું છે. વડોદરામાં ગભરામણ અને હાર્ટ એટેકનાં કારણે ૫ વ્યક્તિનાં મૃત્યું નિપજ્યા છે. વર્ષ ૨૦૧૬માં વડોદરામાં ૪૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈકાલે તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આકરી ગરમીનાં કારણે રોનાલ્ડ રોય (ઉ.વર્ષ.૨૩) દિલીપ કાકરે (ઉ.વર્ષ.૬૫), નવીન વસાવા (ઉ.વર્ષ.૭૫), શાંતાબેન મકવાણા (ઉ.વર્ષ.૬૩), પીટર સેમ્યુઅલ (ઉ.વર્ષ.૪૭) નુ મૃત્યું થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરતમાં આકરી ગરમીની અસર વર્તાઈ રહી છે. ત્યારે સુરતમાં હીટવેવથી શહેરમાં ૯ થી વધુનાં મોત થયા હતા. છેલ્લા ૪૮ કલાકમાં ગરમીથી ૧૯ લોકોનાં મોત થયા હતા. તમામ મૃતકો ૩૬ થી ૪૮ વર્ષની વયનાં હોવાનો ખુલાસો થવા પામ્યો છે. આ તમામ લોકોનાં ગભરામણ તેમજ બેભાન થઈ જવાની ફરિયાદ બાદ મોત થયા હતા. મહાનગરપાલિકા અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આશ્રય વિહોણાં ૧૪૬ થી વધુ લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. તેમજ ફૂટપાથ પર રહેતા લોકો હીટવેવનો શિકાર ન બને તે માટે કામગીરી કરાઈ છે.