દાહોદમાં ગોદી રોડ પરની 6 દુકાનો પર જેસીબી ફેરવાયુ

દાહોદ,દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત રોડ અપગ્રેડેશન માટે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો દુર કર્યા બાદ હવે ગોદી રોડ વિસ્તારમાં તંત્રએ ઘ્યાન કેન્દ્રિત કર્યુ છે. ગોદી રોડમાં રેલ્વે બ્રિજ પાસે આવેલી દુકાનો મામલે અપાયેલી નોટિસમાં જણાવાયુ હતુ કે,સ્માર્ટસિટી અંતર્ગત રોડ અપગ્રેડેશનમાં નગરપાલિકાના ભાડુઆતો અડચણરૂપ જણાય છે. જેનુ માર્કિંગ સિટી સર્વે ઓફિસ દ્વારા કરીને દબાણ દર્શાવવામાં આવ્યુ છે. ખાનગી મિલ્કત હોય તો માર્કિંગ મુજબ દબાણ દુર કરવુ અને ભાડા કરારની શરત મુજબ કબ્જો ખાલી કરીને દુકાન નગરપાલિકાને સુપરત કરવાનુ જણાવાયુ હતુ. ત્યારબાદ આ દુકાનો દુર કરવા માટે ચાર જેસીબી ખડકી દેવાયા હતા. પ્રાંત અધિકારી, ચીફ ઓફિસરની હાજરીમાં રેલ્વે બ્રિજ પાસેની પાંચ દુકાનો સાથે પોલીસ ચોકી પાસેની એક દુકાન તોડી પાડવામાં આવી હતી. પોલીસ ચોકી શિફટ થયા બાદ પાંચ દિવસ બાદ તેને પણ દુર કરાશે તેવુ જાણવા મળ્યુ છે.