દાહોદમાં એક પેડ માં કે નામ સૂત્ર સાથે તાલુકાકક્ષાના 75માં વન મહોત્સવ ઉજવાયો

  • મહાનુભાવોના હસ્તે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું.

75માં વન મહોત્સવની ઉજવણી જવાહર નવોદય વિધાલય ખરેડી ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ મુખ્ય અતિથિ તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ જણાવ્યુ હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવતર અભિગમોની આગવી કેડી કંડારીને રાજ્યનો સર્વાંગી વિકાસ હાથ ધર્યો હતો. તેમણે વિકાસના અન્ય તમામ ક્ષેત્રોની સાથે પર્યાવરણની જાળવણીની નેમ સેવીને વન મહોત્સવને લોકભોગ્ય બનાવ્યો હતો. નરેન્દ્રભાઈની પ્રેરણાથી દર વર્ષે વન મહોત્સવ જન ભાગીદારી સાથે ગુજરાતમાં તમામ જીલ્લામાં વૃક્ષોનું વાવેતર શરૂ થયું અને હવે તે એક જન આંદોલન બની ચૂક્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધતા જતા વાહનોના કારણે પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આબોહવા દૂષિત થઈ રહી છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા વૃક્ષારોપણની સાથે વૃક્ષોનું જતન પણ જરૂરી છે પર્યાવરણના મુદ્દે લોકોમાં જાગૃતિનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી જ વૃક્ષારોપણમાં લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે, તે બધાને એકસરખી રીતે અસર કરે છે, તેથી તેના ઉકેલમાં પણ તમામ લોકોની ભાગીદારી અનિવાર્ય છે. તેની સામે સૌએ સાથે મળીને લડવું પડશે. અને તેનો એક જ ઉપાય વૃક્ષારોપણ છે.

આ કાર્યક્રમમાં જવાહર નવોદય સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુતિ કરવામાં આવયું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદાબેન કિશોરી, તાલુકા પંચાયતના સભ્ય ઓ વનવિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અજય બારીયા, એમ.કે.પરમાર સહિત શાળાના બાળકો ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.