દાહોદ જીલ્લામાં ૩૫ કેસ પોઝીટીવ : ૨૪ કલાકમાં ૦૬ વ્યકિતના કોરોનાથી મોત

દાહોદ,
દાહોદ જિલ્લામાં આજે કોરોના સંક્રમણ કેસનો રાફડો ફાટ્યો છે. આજે એકજ દિવસમાં ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિન પ્રતિદિન વધતાં કેસોને લઈ ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં ક્ધટેઈન્ટમેન્ટ ઝોન વિગેરે સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝરની પુરજોશમાં કામગીરીનો પણ આરંભ કરી દીધો છે. આજે વધું ૦૩ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં પરિવારમાં માતમ છવાયો હતો.

આજે આર.ટી.પી.સી.આર.ના ૧૪૧૮ પૈકી ૩૦ અને રેપીટ ટેસ્ટના ૧૪૯૨ પૈકી ૦૨ મળી આજે એકસાથે ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આ ૩૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૫ કેસો સામે આવ્યાં છે જ્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૩ અને ફતેપુરમાંથી ૦૫ કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે ૧૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બીજી તરફ એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૨૨ ને પાર થઈ ચુક્યો છે.

દાહોદ શહેરમાં વધતાં કોરોના પ્રકોપને કારણે સૌ કોઈ હાલ ફફડાટ અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ બીન સત્તાવાર મળતી માહિતી પ્રમાણે વિતેલા ચોવીસ કલાકની અંદર લગભગ ૦૬ જણા કોરોનાથી મૃત્યુ પામ્યાં છે અને તેઓની અંતિમ ક્રિયા દાહોદના સ્મશાન ખાતે કોરોના ગાઈડ લાઈન સાથે સંપુર્ણ તકેદારીને ધ્યાનમાં રાખી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.
દાહોદ જિલ્લામાં કુદકેને ભુસકે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોના સંક્રમણે રેકોર્ડ બ્રેગ ગતિએ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરના અન્ય રાજ્યોમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતાં કોરોના કેસોની સાથે સાથે મૃત્યુ આંક પણ આ વખતે વધતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ નાનકડા દાહોદ જિલ્લાની તો આ વર્ષે કોરોના પોતાની ઝડપ વધારી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને તેની સાથે મૃત્યુ દરના આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

દાહોદની સરકારી દવાખાના સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. મળતી બિન સત્તાવાર માહિતી પ્રમાણે વિતેલા ચોવીસ કલાકની અંદર ૦૬ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. અને વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદના સ્મશાન ખાતે સંપુર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે કર્મચારીઓની હાજરીમાં પીપીઈ કીટ સાથે મૃતકોના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યાં હતાં. આ મૃતકોમાં એક મધ્યપ્રદેશની મહિલાનો પણ સમાવેશ થાય છે અને જેના પણ દાહોદના સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. દિન પ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના પ્રકોપને પગલે હવે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રએ કમર કસવી જ રહી અને સેનેટરાઈઝર સહિત ઘરે ઘરે જઈ ટેસ્ટીંગ હાથ ધરવાની કામગીરીનો પુન: આરંભ કરવામાં આવે તે અતિ આવશ્યક બની રહ્યું છે.