દાહોદ સ્મશાન ગૃહમાં આજરોજ ૨૫ મૃતદેહના અંતિમ સંસ્કાર : ૨૦ મૃતદેહોને કોરોના ગાઈડ લાઈન મુજબ અંતિમ સંસ્કાર

દાહોદ,
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે અને જેને પગલે મૃતકોની સંખ્યામાં પણ ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દાહોદના સ્મશાન ગૃહ ખાતે કુલ ૨૫ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦ જેટલા મૃતદેહોને કોરોના ગાઇડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન એટલે કે, એપ્રિલ માસના પ્રારંભ સાથે જ દાહોદ જિલ્લામાં જાણે કોરોનાએ પોતાનું રોદ્ર ‚પ ધારણ કરતા દાહોદ શહેર સહિત જિલ્લાના સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફુલ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં કોરોના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી વધારે સમયગાળા દરમિયાન તો કોરોનાનો આંકડો દાહોદ જિલ્લામાં દિન – પ્રતિદિન વધવા માંડ્યો છે અને તેમાંય મૃતકોની સંખ્યામાં પણ તોતિંગ વધારો થતો હોવાનું દેખાઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી લગભગ ૧૯૭ ઉપરાંત લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાની સત્તાવાર માહિતી છે. ત્યારે રોજેરોજ દાહોદના સ્મશાન ગૃહ ખાતે કોરોના ગાઇડલાઇન પ્રમાણે ઘણા લોકોને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો આજના દિવસે જ દાહોદના સ્મશાનગૃહમાં કુલ ૨૫ જેટલા મુક્તકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦ લોકોના કોરોના ગાઇડલાઇન પ્રમાણે અને અન્ય પાંચ જો કદાચ સામાન્ય બીમારી થી મૃત્યુ પામ્યા હોય અથવા તો આકસ્મિક મૃત્યુ થયું હોય તેવા પાંચ લોકોના અંતિમ સંસ્કાર મળી આજે દાહોદ સ્મશાન ગૃહ ખાતે ૨૫ જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા બીજી તરફ જોવા જઈએ તો દાહોદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે અને જેને પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પણ એક્શન મોડમાં આવી છે અને હવે કોરોના ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. ઘરે ઘરે જઈ આરોગ્ય કર્મચારીઓ કોરોનાના ટેસ્ટો કરી રહી છે.