દાહોદમાં ચાંદલાના ૫૦૦૦ રૂપિયા બાબતે ઝઘડો થતાં પતિએ પત્નીની હત્યા કરી

દાહોદ,\ ૫ હજાર રુપિયા માટે પતિએ કરી પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. દાહોદના ડુગરી ગામના ધાટી ફળીયાની આ ઘટના છે. જ્યાં પત્નીનો ભાઈ લગ્નના ચાંદલા નિમિતે ૫ હજાર રુપિયા કેમ નથી આપતો, જેવી સામાન્યા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ૪ વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો હતો. પતિએ ઝગડો ઉગ્ર બનતા તેની પત્ની નિતાબેનના ગળાના ભાગે દોરડુ વીટાળી દઇ હત્યા નિપજાવી હતી અને તે બાદ આરોપી પતિ સંજય ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતકના ભાઇની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વાત કરીએ તો, ડુગરી ગામના ધાટી ફળીયા રેહતા સંજય નુરજી વગીલા સાથે કચુમબર ગામના નિતાબેન કલાસવાના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા. ગઈકાલે સાંજના સમયે મૃતક નિતાબેનના પતિ સંજયએ તેની સાથે તારો ભાઇ વિરેશ ચાંદલાના રુપિયા ૫૦૦૦ કેમ નથી આપતો, તેમ કહી બોલાચાલી કરી હતી. ત્યાર બાદ બન્ને પતિ-પત્ની વચ્ચે ઝગડો ઉગ્ર બનતા સંજયએ ઘરમાં રાખેલા દોરડા વડે નિતાબેનના ગળાના ભાગે વીંટાળી દઇ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આ અંગે આસપાસમાં રેહતા નિતાબેનના પાડોશી ઘરમાં નિતાબેનને બોલાવા જતા નિતાબેન મૃત હાલતમાં પડેલા જોતા તેમના પીયરમાં ભાઈ વિરેશ જોખના કલાસવાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને લીમડી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

પીએમ દરમિયાન નિતાબેનનું મોત ગળે દોરડા વડે દબાવાથી થયું હોવાનું સામે આવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, પતિ-પત્નીનો ઝઘડો થયો હતો. જેથી પોલીસે પિયર પક્ષના મૃતકના ભાઇ વિરેશની ફરિયાદના આધારે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી સંજયને ગણતરીના સમયમાં દબોચી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.