દાહોદમાં ભારે પવન સાથે વરસાદ થતાં પતરા ઉડયા

દાહોદ,દાહોદ શહેરમાં ગતરોજ ભારે પવન વચ્ચે વરસાદ પડતાં દાહોદ શહેરમાં સહિત જીલ્લામાં વૃક્ષો તેમજ કાચા મકાનોના પતરા ઉડી જવા પામ્યાં હતાં. જેમાં ગરબાડા તાલુકામાં રસ્તાની વચ્ચે એક વૃક્ષ ધરાશાઈ થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો બીજી તરફ દાહોદ શહેરમાં એક મકાનની ઉપર લગાવવામાં આવેલ સોલર પ્લાન્ટના પતરા ઉડતાં મકાનની નીચે મુકી રાખેલ એક ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું.

દાહોદ શહેર સહિત જીલ્લામાં ગતરોજ પવનના સુસવાટા તેમજ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે આ વાવાઝોડા અને વરસાદને પગલે ગરબાડા તાલુકામાંથી પસાર ગરબાડા-દાહોદ હાઈવે પર એક વૃક્ષ ધરાશાઈ થઈ જતાં આ હાઈવે પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ સ્થાનીક વહીવટી તંત્રને થતાં તંત્રના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને વૃક્ષને રસ્તા પરથી તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યું હતું અને વાહન વ્યવહાર પુન: શરૂં કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં શ્રીનગર સોસાયટી ખાતે એક મકાનની ઉપર ધાબા ઉપર લગાવવામાં આવેલ સોલર પ્લાન્ટના પતરા પણ ઉડતાં આ પતરા મકાનની નીચે મુકેલ એક ફોર વ્હીલર ગાડી પર પડ્યાં હતા. જેને પગલે ફોર વ્હીલર ભારે નુકસાન થયું હતું. ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. સદ્દનસીબે આ વાવાઝોડા અને વરસાદમાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી.