- દાહોદ જિલ્લામાં આંગણવાડી સંચાલકો દ્વારા ફરજમાં નિષ્કાળજી દાખવવામાં આવશે તો કાર્યકર તથા તેડાગરને ફરજ મુક્ત કરવામાં આવશે.
દાહોદ,
દાહોદમાં આંગણવાડી કાર્યકર/તેડાગર પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જે મુજબ પોષણસુધા યોજના અને ગરમ નાસ્તાના રૂ.14415/- રૂપિયાની રીકવરી કરી ચલણ મારફતે સરકારના નિયમ હેડમાં જમા કરવામાં આવ્યા છે. તેમજ હવે નિષ્કાળજી રાખશે તો ફરજમુક્તિ ના પગલાં પણ લેવામાં આવશે.
ગત તા.24/12/2022ના રોજ સમય 12.50 ના રોજ બચુભાઈ ખાબડ મંત્રી ગુજરાત સરકારની દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા ઘટક-3 ના કેળકુવા માજી સરપંચ ફળિયા આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં મુલાકાત દરમ્યાન ઘણી બધી ગંભીર ક્ષતીઓ જોવા મળેલ હતી જેમાં લાભાર્થીઓને સરકાર તરફથી મળતા લાભ, વસ્તુ, નાસ્તો લાભાર્થી સુધી પહોંચતું નથી, બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ પીપમાં રાખેલ હતા અનાજ નો જથ્થો સાફ કર્યા વગર જોવા મળેલ હતો. તેમજ દાળ, ચણા ના પેકેટ વિતરણ કરેલ ન હતા. જે ખુબ જ ગંભીર બાબત છે, કાર્યકર કેન્દ્રના બદલે મનસ્વી રીતે અનાજનો જથ્થો પોતાના ઘરે રાખેલ હતો. તેમજ કેન્દ્ર ઘરે ચલાવવામાં આવતું હતું. તેમજ સાફ સફાઈ નો અભાવ જોવા મળેલ છે રેકર્ડ રજીસ્ટર જોવા મળેલ નથી તેમજ અસ્તવ્યસ્ત હાલત માં જોવા મળેલ હતા.
મંત્રીની મુલાકાત દરમ્યાન જોવા મળેલ ક્ષતીઓ મુજબ જિલ્લા વિકાસ અધિકારી દાહોદની સુચના મુજબ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સી.ડી.પી.ઓ. મુખ્ય સેવિકા,આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ને તેમની ફરજ પર ની નિષ્કાળજી બદલ નોટીસ આપી સાધનિક પુરાવા સાથે રૂબરૂ ખુલાસો રજુ કરવા માટે તા.04/01/2023ના રોજ સુનાવણી રાખવામાં આવેલ હતી.
જેમાં આંગણવાડી કેન્દ્ર માં લાભાર્થીની ખોટી હાજરી પૂરીને ખોટા બીલો પાસ કરાવેલ છે,પોષણ સુધા યોજનાના પ્રતિ લાભાર્થી દીઠ રૂ.27/- તથા 3 થી 6 વર્ષના પ્રતિ બાળકોના રૂ.5.10/- ના બીલો બનાવેલ છે. તેમજ ખોટી નાણાની વધુ ચુકવણી કરવામાં આવેલ હતી જે ભૂલો બદલ કાર્યકર/તેડાગર પર શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે પોષણસુધા યોજના અને ગરમ નાસ્તાના રૂ.14415/- રૂપિયાની રીકવરી કરી ચલણ મારફતે સરકારના નિયમ હેડ માં જમા કરાવેલ છે.
તેમજ હવે પછી ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવવામાં આવશે તો સરકાર ના 25-11-2019ના ઠરાવ મુજબ કાર્યકર તેડાગરને ફરજ મુક્ત કરવામાં આવશે, તેમજ સી.ડી.પી.ઓ. મુખ્ય સેવિકા સામે પ્રાથમિક તપાસ ની કાર્યવાહી કરવામાં આવશે. જેથી લાભાર્થીઓને સરકાર તરફથી સગર્ભા-ધાત્રી તથા બાળકોને મળતા લાભ લાભાર્થીને મળે અને પોષણના સ્તરમાં સુધારો લાવી શકાય.