જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો પૈકી 844 મતદાન મથકોનું લાઇવ વેબકાસ્ટીંગ કરાશે.
જિલ્લામાં પુરૂષ મતદારો 785190, સ્ત્રી મતદારો 798441 તેમજ અન્ય મતદારો 25 એમ કુલ 1583656 મતદારો.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 17246 પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે.
ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે સંપન્ન થાય એ માટે કુલ 249 ઝોનલ અધિકારીની નિમણુંક.
આદર્શ આચાર સંહિતાના અમલની સાથે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધ ક્લોક ક્ધટ્રોલ રૂમ શરૂ.
કલેક્ટર કચેરીમાં એક જ જગ્યાએ થી વિવિધ પ્રકારની પરમીશન મળી રહે તે માટે સીંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત.
નાગરિકો ચૂંટણીને લગતી ગુન્હાહિત પ્રવૃતિની ફરીયાદ ઓનલાઇન કરી શકશે, જેનો 100 મિનિટમાં નિકાલ કરાશે, આ માટે ટોલ ફ્રી નં. 1800-233-0053 કાર્યરત. દાહોદ, જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 યોજવા માટે તા. 3-11-22 ના રોજ જાહેર થતા જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે. દાહોદ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા બીજા તબક્કામાં યોજાશે. જે મુજબ ચૂંટણીનું જાહેરનામું આગામી તા. 10-11-2022 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. 17-11-2022, ચકાસણીની તા. 18-11-2022, ઉમેદવારી પાછી ખેંચવાની તા. 21-11-22, મતદાનની તા. 5-12-22, મતગણતરીની તા. 8-12-2022, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 10-12-2022 રહેશે. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કુલ 6 વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. જેમાં પાંચ બેઠકો અનુસુચિત આદિજાતિ માટે અનામત છે. જયારે 134-દેવગઢ બારીયાની બેઠક સામાન્ય છે. જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો છે અને 1155 મતદાન મથક લોકેશન છે. જે પૈકી 124 મતદાન મથક શહેરી વિસ્તારના છે. જેના 55 લોકેશન છે. જયારે 1538 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે. જેના 1102 લોકેશન છે. મતદાર યાદી વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. 10-10-2022 ના રોજ કરવામાં આવી છે. જે મુજબ જિલ્લામાં પુરૂષ મતદારો 785190, સ્ત્રી મતદારો 798441 તેમજ અન્ય મતદારો 25 એમ કુલ 1583656 મતદારો છે. જેમાં 80 વર્ષથી વધુ વયના 33111, યુવા મતદારો જેઓ 18 થી 19 વર્ષના છે તેમની સંખ્યા 47194, દિવ્યાંગ મતદારો 16762 છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ન્યાયી રીતે યોજાઇ તે માટે આયોગની સૂચના મુજબ એફએસટીની 18 ટીમો, એસએસટીની 28, વીએસટીની 12, વીવીટીની 8 તેમજ એકાઉન્ટીંગની 6 ટીમોની રચના કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 17246 પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે તેમ ડો. ગોસાવીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે સંપન્ન થાય એ માટે કુલ 249 ઝોનલ અધિકારીની નિમણુંક કરાઇ છે. જેમને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના અધિકાર આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આદર્શ આચાર સંહિતાના અમલની સાથે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધ ક્લોક ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ચૂંટણી અધિકારી કક્ષાએ પણ ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કલેક્ટર કચેરીમાં વિવિધ પ્રકારની પરમીશન મળી રહે તે માટે સીંગલ વિન્ડો સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આયોગની સૂચના મુજબ દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષની વધુની ઉંમર ધરાવતા મતદારોને મતદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવ્યા છે. તેઓ ઘરેથી મતદાન કરવા માંગતા હોય તો નિયત ફોર્મ ભરી સંમતિ આપશે તો તેમને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ધરેથી મતદાન કરવાની તેમજ જો તેઓ મતદાન મથક પર આવવા માંગતા હોય તો તેઓને જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે. જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો પૈકી 844 મતદાન મથકોનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. નાગરિકો પણ આચારસંહિતા ભંગ, ચૂંટણી લગત ગુન્હાહિત પ્રવૃતિને લગતી ઓનલાઇન કરી શકો છો. જેનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે. આ માટે ટોલ ફ્રી નં. 1800-233-0053 કાર્યરત છે. જિલ્લામાં મતદારોમાં જાગૃત્તિ આવે તે માટેની વિગતો આપતા ડો. ગોસાવીએ જણાવ્યું કે, વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ઇવીએમ ડેમોસ્ટ્રેશન, ગરબા કાર્યક્રમ, રંગોળી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ મારફત સંકલ્પપત્રો પણ ભરવામાં આવશે. તેમજ ઓછું મતદાન ધરાવતા મથકોના વિસ્તારોમાં અવસર કાર્યક્રમ મુજબ અવસર રથ ફેરવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ તેમજ પત્રકારઓ ઉપસ્થિત રહ્યાં હતા.