દાહોદમાં 500 દબાણદાર દુકાનદારોને નોટીસો ફટકારતા ફફડાટ,પાંચ દિવસમા દુકાનો ખાલી કરવા અલ્ટીમેટમ

દાહોદ,દાહોદ શહેરમાં માત્ર એક દિવસીય દબાણ હટાવ ઝુંબેશ પૂર્ણ થઇ છે પરંતુ તેના આફટરશોક આવી રહ્યા છે. ત્યારે 500 જેટલા વેપારીઓને નોટીસો ફટકારી દેવાતા ફફડાટ ફેલાઇ ગયો છે.બીજી તરફ નગર સેવકો પણ દબાણદારોની પડખે આવ્યા હતા.તેમણે પ્રાંત અધિકારીને એક આવેદન આપી વેપારીઓને સમય આપવાની માંગ કરી હતી.

દાહોદ સ્માર્ટસીટીની કામગીરી આગળ વધી રહી છે.કારણ કે જમીનની અંદરના કામ પૂર્ણ થતા જમીનની ઉપર કામગીરીના ભાગરૂપે સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવાની હોવાથી રોડ પહોળા કરવા જરૂરી છે. તેના ભાગરૂપે દેસાઇ વાડથી ગોધરા રોડ તેમજ ગોદી રોડ પરના દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો છે. હવે સ્ટેશન રોડ. એમ.જી રોડ જેવા વિસ્તારોમાં રસ્તા પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે હવે મહત્તમ દુકાનોમાં તોડફોડ કરવાની નોબત આવી છે.

જેથી શહેરમાં લગભગ 500 જેટલા વેપારીઓને નોટીસો ફટકારવામાં આવી છે અને બંધ દુકાનો પર નોોટીસો ચોંટાડી દઇને જાણ કરવામાં આવી રહી છે. તેના પહેલા શુક્રવારના રોજ વેપારીઓએ કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી વૈક્લપિક વ્યવસ્થાની માંગ કરી હતી. તેમજ દુકાનો ખાલી કરવા માટે સમય પણ માંગ્યો હતો. કેટલાકે નોટીસો ન મળી હોવાની દલીલો પણ કરી હતી, પરંતુ જે તે વખતે જે નિશાનીઓ કરી દેવામાં આવી છે, તે જ નોટીસ છે. તેમ પણ કહેવામાં આવ્યું હતું.

બીજી તરફ શનિવારે પાલિકાના ભાજપાના નગર સેવકોએ આવેદન પત્રો આપ્યા હતા. જેમાં દાહોદના ધારસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતને પણ આવેદન આપ્યા હતા. નગર સેવકો વતી રજૂઆત કરવામાં આવી હતી કે કોની કેટલી જગ્યા દબાણમાં છે, કેટલુ તૂટશે કે કેટલુ બચી જશે તેનો કોઇ પણ ઉલ્લેખ નોટીસમાં કરવામાં આવ્યો નથી તેમજ નગર સેવકોને તો શું થવા જઇ રહ્યું છે. તેની જાણ જ ન હતી ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેઓને કોઇ પ્ર પુછવામાં આવે ત્યારે તેમની પાસે કોઇ જવાબ હોતા નથી. જેથી નગર સેવકોને વિશ્ર્વાસમાં લેવા તેમજ આ કામગીરી પાછી ઠેલવા પણ માંગ કરવામાં આવી છે. જેથી વેપારીઓ પોોતાનો માલ સામાન ખસેડી શકે અને તેમનુ બને તેટલુ ઓછુ નુક્સાન થાય.જેથી આ સમય સીમા ડિસેમ્બર-2023 સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

જો કે, આ રજૂઆત દરમિયાન પ્રાંત અધિકારીએ નગર સેવકોને વિવિધ પ્રકારના આશ્ર્વાસન આપ્યા હતા પરંતુ કોઇ ઠોસ બાંહેધરી તેમણે આપી ન હતી. તેમણે દરેક વખતે જણાવ્યું હતું કે મુદ્દા ચર્ચામાં લેવાશે પરંતુ તેની સાથે તેમણે કોઇ પણ સંજોગોમાં તૈયાર રહેવા ચેતવણી તો આપી જ દીધી છે.

દરેક ચર્ચા વચ્ચેના અંતરાલોમા પ્રાંત અધિકારીનુ એક વાક્ય સામાન્ય સાંભળવા મળ્યું કે તેમ છતાં તૈયાર રહેજો. જેનો અર્થ સમજી શકાય તેમ છે.

બોકસ: સોએ સ્વીકારી લીધુ કે દબાણ તો તૂટશે જ?

હવે જે પણ સંગઠનો કે પ્રતિનિધિઓ એક જ રજૂઆત કરી રહ્યા છે કે દુકાનો ખાલી કરવાનો સમય આપો અથવા જલ્દી મા જલ્દી વૈકલ્પિક વ્યવસ્થા આપો. તેની સાથે રજૂઆત કરનારા એમ પણ જણાવી રહયા છે કે તેઓ સ્માર્ટ સીટીના કામોનો કે વિકાસનો વિરોધ કરી રહ્યા નથી. તેનુ તાત્પર્ય એ છે કે બધાએ સ્વીકારી લીધુ છે કે દબાણ તો તૂટશે જ.

બોકસ: રોડ પર કરેલા દબાણમાં નોટીસની જરૂર નથી : પ્રાંત અધિકારી

આજે નગર સેવકોની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ કોઇ ખાસ રાહત આપી નહી શકાય તેમ આડકતરી રીતે જણાવી દીધુ હતું. નોટીસો આપવા વિશેની ચર્ચા ,તેમા દબાણ વિશેના ખુલાસા તેમજ માર્કિંગ વિશે ચર્ચા થઈ હતી. ત્યારે એક તબક્કે તેઓએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે, રોડ પરના દબાણોમાં નોટીસની કોઈ જરૂર હોતી નથી. ત્યારે દાહોદમાં થયેલા દબાણો બાદ જે ગંભીર સ્થિતિનુ સર્જન થશે તે અકલ્પનીય છે.

બોકસ: સીંધી સમાજ નવયુવક મંડળની પ્રેસ કોન્ફરન્સ ન થઇ

દાહોદ સીંધી સમાજ નવયુવક મંડળ દ્વારા શનિવારે બપોરે 12 કલાકે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન શહેરના સ્વામી વિવેકાનંદ ચોકમાં કરવામા આવ્યુ હતું પરંતુ તે યોજાઇ શકી ન હતી. કારણ કે યુવક મંડળના પ્રમુખ હિતેશ જેઠવાણીને તે પહેલાં જ પોલીસ મથકે બોલાવી અટક કરી લેવામાં આવ્યો હતો. જેથી આ જગ્યાએ એકઠા થયેલા વેપારીઓ પરત ફર્યા હતા અને સાંજ સુધી તેમને પોલીસ મથકમાં જ રાખવામાં આવ્યા હતા. આમ તંત્ર પણ આ કામગીરીથી કડક સંદેશ આપવા માંગતુ હોય તેમ લાગી રહ્યું છે.