દાહોદ,દાહોદમાં વીતેલા એક સપ્તાહમાં રેપિડ ટેસ્ટ દરમિયાન બે કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા બન્ને કોરોના સંક્રમિત દર્દીઓ હાલ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઉપરોક્ત બંનેં કોરોના સંક્રમિત દર્દીઓમાં એક દર્દી મધ્યપ્રદેશના અલીરાજપૂરનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક દર્દી દાહોદ જિલ્લાના ફતેપુરાનો હોવાનું સામે આવ્યું હતું.
જયારે સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્રારા કોરોના સંબંધિત સાવચેતીના ભાગરૂપે તાલુકા કક્ષાએ મોકડ્રિલ પણ યોજવામાં આવી હતી. ત્યારે દાહોદ જિલ્લામાં વીતેલા દિવસોમાં સીંગવડ તાલુકામાં સગમટે ત્રણ જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જેમાં એક આરોગ્ય કર્મી તેમજ એક નર્સિંગ કોલેજની વિધાર્થીની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વીતેલા સપ્તાહમાં દાહોદમાં પુન: કોરોનાએ દસ્તક દીધી છે. જેમાં ફતેપુરા તાલુકાના મોટા નટવા માંથી એક વ્યક્તિને 20-4-2023 ના રોજ કોવિડના લક્ષણો દેખાતા તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે પોઝિટિવ આવ્યો હતો તેવીજ રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આંબી ગામના એક વ્યક્તિને ટીબીની બીમારી હોવાથી તેને ઝાયડસ હોસ્પિટલમાં 11મી એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો. જેના તમામ પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને ગઈકાલે તેનો રેપિડ ટેસ્ટ કરાતા તે પણ પોઝિટિવ નોંધાયો હતો. જેના પગલે આ કોરોના સંક્રમિત દર્દીની સાથે ટીબીના અન્ય 10 થી 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાથી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે સાવચેતીના ભાગરૂપે તમામ દર્દીઓના રેપિડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા ઝાયડસ હોસ્પિટલના તમામ સ્ટાફે રાહતનો શ્ર્વાસ લીધો હતો.