દાહોદ લોકસભા બેઠક ઉપરથી ભાજપના જસવંતસિંહ ભાભોર ત્રીજી વખત 3,35,180 મતોની લીડથી જીત મેળવી

દાહોદ જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણીના પરિણામાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે સતત ત્રીજી વખત બાજી મારી ભવ્ય વિજયી મેળવ્યો છે. જસવંતસિંહ ભાભોરે 3,35,180 મતોની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે. જસવંતસિંહ ભાભોરને 6,85,734 મતો મળ્યાં છે. ત્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ર્ડા. પ્રભાબેન તાવીયાડને 3,52,238મતો મળ્યાં છે. ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની જીત સાથે તેમના સમર્થકોએ તેઓની જીતને વધાવી લઈ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

દાહોદ જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણીમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની જીતને પગલે તેઓના સમર્થકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથીજ દાહોદ શહેરની એન્જીનીયરીંગ કોલેજ છાપરી, દાહોદ ખાતેથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરીના સ્થળે દાહોદ જીલ્લા ચુંટણી અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો કાફલો વહેલી સવારથીજ મતગણતરીની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. ત્યારે કુલ 22 મતગણતરીના રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર શરૂઆતથીજ આગળ ચાલતાં હતાં. દાહોદ જીલ્લામાં લોકસભાની સામાન્ય ચુંટણીમાં કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતાં. મતગણતરીના 22 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે 3,35,180 ઉપરાંતના મતોની લીડથી ભવ્ય વીજયી થયાં હતાં. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ર્ડા. પ્રભાવેન તાવીયાડને 3,52,238 મતો મળ્યાં હતાં. જસવંતસિંહ ભાભોરની જીત સુનિશ્ચિત થતાંની સાથેજ દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પાર્ટીના તમામ લોકો ભાજપા કાર્યાલય ખાતે એકઠા થયાં હતાં અને જસવંતસિંહ ભાભોરને શુભેચ્છો આપી હતી. ત્યારે તાજેતરમાં રાજકોટની ઘટનાને પગલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયી ઉત્સવ મોકુફ રાખવાના આદેશો સાથે દાહોદ જીલ્લામાં જસવંતસિંહ ભાભોર તેમજ તેમના સમર્થકોએ વીજયી સરઘસ, ફટાકડા ફોડવા, મીઠાઈ વહેચવી, પુષ્પ, ફુલહાર આપી તેમજ આવા કાર્યક્રમો ન યોજી સાદગી પુર્વક જીતને વધાવી હતી. દાહોદ ભાજપા કાર્યાલય ખાતે પાર્ટીના તમામ લોકો હાજર રહી જસવંતસિંહ ભાભોર જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. પોસ્ટલ બેલેટમાં જસવંતસિંહ ભાભોરને 2981 મતો મળ્યાં હતાં. નોટામાં કુ 34,774 મતો પડ્યાં હતાં.

વિધાનસભા પ્રમાણે વિજેતા ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને મળેલ મતોની વિગત નીચે પ્રમાણે છે…

ઝાલોદ – 16,314

દેવગઢ બારીઆ – 1,11,392

દાહોદ- 9,471

ફતેપુરા 34,659

સંજેલી-39,238

લીમખેડા-77,108

ગરબાડા-46,998

ભાભોર જશવંતસિંહ સુમનભાઈ 685734 મત મળ્યા હતા. કોંગ્રેસના ર્ડા. તાવિયાડ પ્રભાબેન કિશોરસિંહને 3,52,338 મતો, બીએસપીના ભાભોર ધુળાભાઈ દિતાભાઈને 8,621 મતો, મેડા જગદીશભાઈ મણીલાલને 3053 મતો, પાસાયા નવલસિંહ મુલાભાઈને 2667, ડામોર મનાભાઈ ભાવસિંહને 3144મતો, અપક્ષના ડામોર વેસ્તા જોખના 4374 મતો, અપક્ષ બારીયા મણિલાલ હીરાભાઈને 6576 મતો, મેડા દેવેન્દ્ર લક્ષમણભાઇને 11,068 મતો અને 34774 નોટા મળ્યા હતા. આમ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી હતી. આ વખતે ભાજપ, કોંગ્રેસના ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થવા પામી હતી, તો બીજી તરફ આ વખતે નોટા મતો ભાજપ, કોંગ્રેસ બાદ ત્રીજા ક્રમે રહેવા પામ્યા હતાં. નોટામાં કુલ 34,556 મતો પડ્યાં હતાં.

દાહોદ લોકસભાના પરિણામ દરમ્યાન મતગણતરી સ્થળે ભારે ગરમી તેમજ અસહ્ય બફારા વચ્ચે ચુંટણી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી.. રાજકીય ગરમાવા વચ્ચે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાની જીત નોંધાંવી છે. ત્યારે બીજી તરફ આજે ગરમીનો પારો વધતાં ચુંટણી અધિકારી, કર્મચારીઓ સહિત રાજકીય પક્ષો ગરમીથી પરસેવે રેબઝેબ જોવા મળ્યાં હતાં. દાહોદના ભાજપા કાર્યાલય ખાતે હોદ્દેદારો તેમજ કાર્યકરોનો મોટા જમાવડો જોવા મળ્યો હતો. જસવંતસિંહ ભાભોરને શુભેચ્છાઓ પાઠવવા માટે જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાજપાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. મતગણતરી સ્થળ પર કર્મચારીઓ માટે જમવા, પીવાના પાણી સહિતની સુવિધા પર કરવામાં આવી હતી. આમ, દાહોદમાં મતગણતરી પ્રક્રિયા ભરઉનાળે શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.