દાહોદ,\દાહોદ લોકસભાની આકાંક્ષી મનાતી બેઠક માટે પ્રબળ દાવેદારોની સંખ્યા વધતા ભાજપમાં આંતરિક ડખાના એંધાણો: અત્યારથી જ ભાજપ સંગઠને ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી શરૂ કરી દીધી: આપસી મતભેદો ભૂલી ખભેખભા મિલાવી કામે લાગી જવાની નેતાઓથી માંડી અદના કાર્યકરો સુધી સૌને સંગઠનની ટકોર.
આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા પણ ગુજરાતમાં લોકસભાની તમામે તમામ બેઠકો અંકે કરી લેવા નીચલા સ્તરથી ઉપલા સ્તર સુધીની તમામ તૈયારીઓને અમલી બનાવવા આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના એક સમૂહ દ્વારા પણ આ વખતે ગુજરાતમાં 26માંથી વધુમાં વધુ બેઠકો અંકે કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપ દ્વારા ગુજરાતમાં પાંચ જેટલી આકાંક્ષી બેઠકો પર કોઈ ભંગાણ યા બળવાની સ્થિતિ ન સર્જાય તે માટે તમામ સ્તરે દેખરેખ રાખવામાં આવી રહી છે. આ પાંચ આકાંક્ષી બેઠકો પૈકીની દાહોદ બેઠક માટે ભાજપમાં જ એકથી વધુ દાવેદારો ચૂંટણી લડવાની મનસા રાખતા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. દાહોદના સાંસદ યશવંતસિંહ ભાભોર છેલ્લી બે ટર્મથી દાહોદ લોકસભાની બેઠક પર ચૂંટાતા આવ્યા છે. અને પાંચેક ટર્મ તો તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પરંતુ ભાજપ કદાચ આ વખતે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીમાં નો રિપીટની થીયરી અપનાવે તો જશવંતસિંહ ભાભોરની ત્રીજી ટર્મમા પણ સાંસદ બનવાની આશાઓ સ્વપ્ન બનીને રહી જશે તેમ છે. આમ પણ દાહોદ લોકસભાની બેઠક માટે હાલના દાહોદ જીલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર પણ પ્રબળ દાવેદાર હોવાની આંતરિક ચર્ચાઓ છે. અને છેલ્લા કેટલાક સમયથી તેમની સારી કામગીરીની ઉપલા લેવલે નોંધ પણ લેવાતી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો શંકરભાઈ અમલીયાર એક પણ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી પરંતુ પોતાના બહોળા અનુભવને આધારે તેઓ આ વખતે દાહોદ લોકસભાની બેઠક માટે પ્રબળદાવેદાર મનાઈ રહ્યા છે. ત્યારે સંતરામપુરના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરનું નામ પણ દાહોદ લોકસભા બેઠક માટે ચર્ચામાં છે. તેઓની પોતાના વિસ્તારમાં સારી એવી પકડછે. આ ત્રણેયને બાદ કરતાં હજુ બીજા કેટલાક પણ દાહોદ લોકસભા બેઠક માટે દાવેદારી કરે તેવા પણ અંદેશાઓ છે.
જીલ્લામાં વિધાનસભાની તમામે તમામ છ બેઠકો અને લોકસભાની બેઠક હાલ ભાજપા પાસે છે. આ વખતે 2024 ની લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભાની બેઠક માટે ભાજપમાં એકથી વધુ પ્રબળ દાવેદારો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે કોઈ ડખો ઊભો ન થાય તે માટે સંગઠન દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે વડોદરા ખાતે પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર દ્વારા વડોદરા ખાતે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં દાહોદના તમામ ધારાસભ્યો સાંસદ સહિત કુલ 58 જેટલા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓને આંતરિક મતભેદો ભૂલી ભેગાં મળી કામ કરવાની ટકોર પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે તો આ વખતે પણ દાહોદની બેઠક અંકે કરવાનું મન મનાવી લીધું છે. પરંતુ આ બેઠક માટેના દાવેદારોની સંખ્યામાં છેલ્લી વખતે વધારો થાય તો જે સ્થિતિ સર્જાય તેને પહોંચી વળવા ભાજપ સંગઠન દ્વારા અત્યારથી જ તમામ વ્યુહ રચના ઘડવાની તૈયારીયો આરંભી દેવામાં આવી છે.
સતત બે ટર્મથી દાહોદ લોકસભા બેઠક પર ચુંટાતા ભાજપાના જશવંતસિંહ ભાભોર ત્રીજી ટર્મ પણ જીતવાની આશા રાખી રહ્યા છે. પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. જીલ્લા ભાજપમાં પણ આંતરિક કલહ સપાટી પર જોવા મળી રહ્યો છે. જીલ્લા ભાજપાના પ્રમુખ શંકરભાઈ અમલીયાર પણ ચૂંટણી લડવાની ફિરાકમાં છે. અને તેઓ પણ મોકાની રાહ જોઈ રહ્યા છે. તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા વિના જ પોતાના બહોળા અનુભવને કારણે સીધે સીધી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. પરંતુ આ બેઠક માટેના આંતરિક ડખા જોતા લોકસભાની બેઠક અંકે કરવા શંકરભાઈ આમલીયારનો પનો ટૂંકો પડે તેમ લાગી રહ્યું છે. પરંતુ જો કિસ્મતમાં જ ઉમેદવારી કરવાનું લખ્યું હશે તો તેમને જરૂર ટિકિટ મળશે.
આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી પાંચ બેઠકો એવી મનાઈ રહી છે કે, જ્યાં ભાજપમાં અંદરો અંદર ડખા છે. જેમાં આણંદ, દાહોદ, પાટણ, બારડોલી વગેરે હોવાનું જાણવા મળ્યું છે. આ પાંચ બેઠકોમાં સત્તાધારી ભાજપના સાંસદોના વિરૂદ્ધમાં જ સંગઠન, જીલ્લાના નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ કે પૂર્વ મંત્રીઓ જેવા નેતાઓ અંદરખાને મેદાને પડેલા છે. જેને લઈને લોકસભાની આગામી ચૂંટણીમાં બળવાખોરી થવાનો પક્ષને ભય છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા અત્યારથી જ ભાજપે કમર કસી છે. આ પાંચ બેઠકોને ભાજપ આકાંક્ષી બેઠકો તરીકે ગણી રહ્યું છે.