
દાહોદ,
દાહોદ એલ.સી.બી. પોલીસની કચેરીના લોકઅપના બાથરૂમમાં એક કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવાપંચાલ પામ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એલ.સી.બી. કચેરી ખાતે પહોંચી ગયો હતો. મૃતક કેદીનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને મોકલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

આજરોજ વહેલી સવારના 5 થી 8 વાગ્યાના સમયગાળા દરમ્યાન દાહોદ એલ.સી.બી. કચેરી ખાતે એક લોકઅપમાં રાખવામાં આવેલ આરોપી દિનેશભાઈ રામજીભાઈ કિશોરી (ઉ. 38, રહે. થાંદલા, મધ્ય પ્રદેશ) જેને લોકઅપના બાથરૂમમાં અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વહેલી સવારે આ ઘટનાની જાણ ત્યાંના પોલીસ કર્મચારીઓને થતાં સ્થાનીક પોલીસ દ્વારા આ ઘટનાની જાણ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો એલ.સી.બી. કચેરી ખાતે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચી ગયેલ એસડીએમ સહિતની ટીમની હાજરમાં ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, આ કેદી ચાકલીયા પોલીસ સ્ટેશનના કોઈ ગુન્હામાં સંડોવાયેલ હતો અને પોલીસે તેને ગતરોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ પકડી લાવી જેલમાં મુકી દીધો હતો. ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. ત્યારે કસ્ટડીય ડેથના બનાવથી આ તપાસ ડીવાયએસ કક્ષાના અધિકારીને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.