દાહોદ એલસીબી પોલીસે કેસરપુર ઘાટી ગામેથી રૂા. 2.33 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ખોટી નંબર પ્લેટ વાળી એક ફોર વ્હીલર ગાડી પકડી પાડી કબજે લીધી હોવાનું જાણવા મળ્યું છે.
ગત રોજ એક ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદથી લીમખેડા તરફ આવતી હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે ગતરોજ સવારે સાડા દસ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સિંગવડ તાલુકાના કેસરપુર ઘાટી ગામ નજીક રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ક્રેટા ગાડીના ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે ફોર વ્હીલર ગાડીનો પીછો કરી ગાડીને ઓવરટેક કરી ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે થોડે દૂર જઈ ગાડી રસ્તાની સાઈડમાં ઉભી રાખી ગાડીનો દરવાજો ખોલી ચાલક ગાડીમાંથી ઉતરી કેસરપુર ઘાટીના જંગલના ઝાડી ઝાંખરામાં થઈ નાસી ગયો હતો.
જે ક્રેટા ગાડી પોલીસે પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા 2,33,033/-ની કુલ કિંમતની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-499 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 10 લાખની કિંમતની ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂપિયા 12,33,030/-નો મુદ્દામાલ કબજે લઈ ગાડીની નંબર પ્લેટ ચકાસતા ગાડીની નંબર પ્લેટ પણ ખોટી હોઇ તેનો સાચી નંબર પ્લેટ તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંબંધે ક્રેટા ગાડીના નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ રંધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આમ આમ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.