દાહોદ ખાતે વૈષ્ણવ મહિલાઓ દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો

  • 300 થી વધુ મહિલાઓએ ફૂલની ઉછામણી કરી રસિયાના તાલે નૃત્ય કર્યા

દાહોદ,દાહોદની દેસાઈવાડ સ્થિત ન.છો.શાહ વણિક વાડીમાં તા.19.3.’24 ની સાંજે વૈષ્ણવ મહિલાઓ દ્વારા ફૂલફાગ મહોત્સવ સહ હોળીના રસિયાનો ખૂબ સફળ કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવ સંપ્રદાયના લોકો દ્વારા વસંતપંચમીથી 41 દિવસ સુધી વસંત ધમારના ખેલો દ્વારા ફાગ અને રસિયાગીતો દ્વારા ભક્તિભાવ પ્રકટ કરી વ્રજભક્તો, પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે.

વૈષ્ણવ સમાજ દ્વારા આ સમયગાળામાં વ્રજ સંસ્કૃતિનો એક પ્રકાર ગણાતા રસિયાનું અવારનવાર આયોજન થતું હોય છે ત્યારે દ્વિતીય પીઠાધીશ્ર્વર પ.પૂ. કલ્યાણરાયજી મહારાજની આજ્ઞાથી અને વિટ્ઠલેશ મંડળ દ્વારા આયોજીત તથા દશાનીમા વણિક સમાજ, દાહોદના સહયોગથી આયોજીત ફક્ત મહિલાઓ કાજે યોજાયેલ રસિયાના આ કાર્યક્રમમાં મહિલાઓના જ વૃંદ દ્વારા ડફ, સારંગી, તબલા, ઢોલક અને મંજીરાના તાલે રસિયાનું રસપાન કરાવવામાં આવ્યુ્ં હતું. આ કાર્યક્રમમાં “આજ બિરજમેં હોરી રે રસિયા, હોરી રે રસીયા, બરજોરી રે રસિયા”, ’અંગના મેં ઉડે રે ગુલાલ, આયો રંગ કેસરીયો’…જેવા અનેક જાણીતા રસિયાગીતો રેલાતા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો તરબતર થઈ ડોલી ઉઠ્યાં હતા. અને સહુએ પુષ્પવૃષ્ટિથી લઈ આ ટાણે પ્રસાદીમાં અપાતા મકાઈ ધાણીના ટેસ્ટફુલ ફગવાના સથવારે રસિયાના તાલે નૃત્ય સાથે આનો આનંદ ઉઠાવ્યો હતો.

Don`t copy text!