દાહોદ ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે ટવેરા ગાડી માંથી 1.70 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ દાહોદ જીલ્લાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે ગત બપોરે રૂપિયા 1.70 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની ચેવરોલેટ કંપનીની ટાવેરા ગાડી પકડી પાડી એક મોબાઈલ ફોન સાથે તે ગાડીના ચાલકની અટકાયત કરી વિદેશી દારૂ ગાડીમાં ભરી આપનાર તથા દારૂ મંગાવનાર મળી કુલ ત્રણ જણા સામે પોલીસે ગુનો નોંધ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશ તરફથી ગુજરાત પાર્સિંગની જીજે-04-ડીએ-2987 નંબરની ચેવરોલેટ કંપનીની ટાવેરા ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા ગોલ્ડન ચોકડી પર આનંદભાઈ નામના બુટલેગરને પહોંચાડવા માટે વાયા દાહોદ થઈ નીકળનાર હોવાની ગુપ્ત બાતમી કતવારા પોલીસને મળી હતી. જે બાતમીને આધારે કતવારા પોલીસે મધ્યપ્રદેશ અને ગુજરાતના સીમાડે આવેલી દાહોદ જીલ્લાની ખંગેલા ચેકપોસ્ટ ઉપર જરૂરી વોચ ગઈકાલે બપોરના સમયે ગોઠવી હતી. તે દરમિયાન બપોરના સવા વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળી ચેવરોલેટ કંપનીની ટાવેરા ગાડી ખંગેલા ચેકપોસ્ટ પર આવતાજ વોચમાં ઉભેલ કતવારા પોલીસે તે ગાડીને રોકી ઘેરી લીધી હતી. અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા 1,70,880/- ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસની પ્લાસ્ટિકની છુટ્ટી બોટલો નંગ. 384 પકડી પાડી ગાડીના ચાલક મધ્યપ્રદેશના ધાર જીલ્લાના ચુનારાપાડા સુખીઈમલી ગામના મોહનભાઈ રામચંદ્ર ખરાડીની અટકાયત કરી તેની પાસેથી 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની ચેવરોલેટ કંપનીની ટાવેરા ગાડી મળી કુલ રૂપિયા 5,25,880નો મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસે ગાડીના ચાલક, ગાડીમાં માલ ભરાવી આપનાર તથા દારૂ મંગાવનાર વડોદરાના આનંદભાઈ મળી કુલ ત્રણ જણા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.