
દાહોદ,
દાહોદ શહેરમાં એમ.જી.રોડ ખાતેથી કસ્બા વિસ્તારના એક યુવક પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ મળી આવી હતી. ભાભરાના યુવક પાસેથી તેણે આ પિસ્ટલ 30 હજારમાં ખરીદી હોવાનુ સામે આવ્યુ હતુ. દાહોદ એ-ડીવીઝન પોલીસ મથકે બંને યુવકો સામે આમર્સ એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દાહોદ શહેરના કસ્બા વિસ્તાર તરફથી રાખોડી રંગનુ ટીશર્ટ પહેરીને આવતા યુવક પાસે માઉઝર છે અને તે જનતાચોક થઈ ગોધરા રોડ જવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવીને એમ.જી.રોડ વિસ્તારમાં જ પોલીસ ચોકી નં.1 આગળ તેને પકડયો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી ખોસેલી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ મળી આવી હતી. કસ્બા વિસ્તારના અમલદાર ચોકમાં રહેતા યુવકે પોતાનુ નામ સાબીરઅલી જબ્બારઅલી મકરાણી હોવાનુ જણાવ્યુ હતુ. પુછપરછ કરતા સાબીરે પોલીસને માહિતી આપી હતી કે, એક/બે માસ મહેલા મઘ્યપ્રદેશના ભાભરા ખાતે રહેતા કામીલભાઈ શેખ નામક યુવક પાસેથી આ પિસ્ટલ 30 હજારમાં ખરીદી હતી. અને તે દાહોદમાં ગરબાડા ચોકડી ખાતે આવીને પિસ્ટલ આપી ગયો હતો. પોલીસે સાબીર પાસેથી એક મોબાઈલ પણ કબ્જે કર્યો હતો. 25 હજારની પિસ્ટલ અને 5 હજારનો મોબાઈલ મળીને પોલીસે તેની પાસેથી 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે સાબીર અને કામીલ સામે આમર્સ એકટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.