દે.બારીઆ, દાહોદ જિલ્લામાં દે.બારીઆ, લીમખેડા, ધાનપુર, સીંગવડ, સંજેલી અને ઝાલોદ તાલુકામાં કોળી સમાજના લોકો વસવાટ કરી રહી છે. જેમાં દે.બારીઆ તાલુકામાં લગભગ 80 ટકા વસ્તી છે. કોળી સમાજમાં હાલમાં કેટલાય શિક્ષિત બેરોજગાર નોકરી નહિ મળતા ઉચ્ચ અભ્યાસની ફાઈલો લઈને ધરે બેઠા છે. ગુજરાત સરકારના કોળી ઠાકોર વિકાસ નિગમ દ્વારા શિક્ષિત બેરોજગાર સહિત અન્ય કોઈપણ વ્યકિતને વ્યકિતગત લોન આપવા માટે જોગવાઈ કરવામાં આવેલ છે. આ લોન સહાય મેળવવા માટે પીપલોદ નજીકના કબીર મંદિર સાલિયા ખાતે બે વર્ષ અગાઉ નિગમના ચેરમેનની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે પછી કેટલાય બેરોજગાર અને ધંધા વગરના મજુરી કરનારા વ્યકિતઓએ કોળી ઠાકોર વિકાસ નિગમની લોન લેવા માટે જરૂરી કાગળો સહિત અરજીઓ મોકલવામાં આવી હતી. જેમાં કેટલાય અરજદારના જમીનના ખાતામાં બોજાની નોંધણી પણ કરવામાં આવી પણ હજુ લોન કઈ મળી નથી. અમુક લાભાર્થીઓને લોન પોતાના બેંક ખાતામાં જમા કરાઈ પરંતુ હજુ કેટલાય લોકો લોન મળવાની આશાએ ગાંધીનગર નિગમની કચેરીએ ધકકા ખાઈ રહ્યા છે. આમ દે.બારીઆ તાલુકા સહિત અન્ય તાલુકાના કોળી ઠાકોર વિકાસ નિગમની લોન મેળવવા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે લોન મંજુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.