
ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆત થતી હોય છે અને ખેતરોમાં પણ મહત્ત્વના પાકો આજ સિઝનમાં તૈયાર થાય છે. એવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ થાય છે. હવામાન વિભાગે ૧૫ થી ૧૯ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી ગરબાડા તાલુકાના વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતો. તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડયા હતા. જેના કારણે ખેતીવાડીને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે કેટલાક ખેડૂતોએ ખેતરોમાં તૈયાર પડેલ પાકને બચાવવા માટે પાકના ઢગલા કરી તાડપત્રી નાખતા જોવા મળ્યા હતા.
હાલ ખેતરમાં ઘઉં, ચણા, કપાસ નો પાક તૈયાર પડ્યો છે. ત્યારે આ પાકને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ ખેડૂતે ખેતરમાં મહા મહેનતે મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી સારી માવજત કરી પાક તૈયાર કર્યો અને બસ હવે પાક લેવાની તૈયારી છે, ત્યાં અચાનક જાણે કુદરત પણ રાજી ના હોય એમ ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
આમ, ખેડૂતને માથે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. બદલાતા હવામાનના કારણે તાવ શરદી અને ઉધરસ જેવા રોગોને પણ આમંત્રણ મળે છે. આમ કમોસમી વરસાદથી ખેતી સહિત રોગચાળાનો પણ ભય રહેલો છે. ત્યારે હજુ પણ આગામી એક દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે.