દાહોદ,
ગુજરાતમાં પ્રવેશવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતાં જતાં લોકો માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અને તેમાંય નેગેટીવ રિપોર્ટ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે તેવા આદેશ અને નિર્ણયો બાદ ખાસ કરીને દાહોદ જિલ્લા માટે આ નિર્ણય અને આદેશ જાહેર જનતા સરહદી વિસ્તારના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે દાહોદ જિલ્લાને અડીને બે સરહદી રાજ્યો આવેલા છે. એક તો મધ્ય પ્રદેશ અને બીજો રાજસ્તાન. રાજસ્થાન અને મધ્ય પ્રદેશને જોડતો દાહોદ જિલ્લામાં આ બે રાજ્યોના લોકોની ભારે અવર જવર રહેતી હોય છે અને તેમાંય દાહોદ જિલ્લાનો રોજગાર, ધંધો અને અર્થ વ્યવસ્થા આ બે સરહદી વિસ્તારો પર નભતી હોય છે ત્યારે સરકારના આ નિર્ણયના પગલે પાડોશી રાજ્યોના ગામોના રહેવાસી તેમજ રોજગાર ધંધા માટે રોજેરોજ દાહોદ જિલ્લામાં આવતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમણે સમગ્ર દેશને ભરડામાં લીધો છે અને બીજી ઈનીંગમાં કોરોના સંક્રમણ રેકોર્ડ બ્રેગ ગતી સાથે આગળ પણ વધી રહ્યો છે. ત્યારે સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો પણ લઈ રહી છે. તેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં પ્રવેશ માટે હવે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ નેગેટીવ હોવો ફરજીયાત કરી દેવામાં આવ્યો છે. વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો ગુજરાતનો જિલ્લો છે. દાહોદ જિલ્લો આમેય આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. હોળી બાદ લગ્નસરાની સીઝન, વેપાર ધંધાની સીઝન સહિત હાલ કોરોના સંક્રમણના માહોલ વચ્ચે દર્દીઓનો પણ દાહોદમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારના આ નિર્ણયને પગલે દાહોદ જિલ્લાવાસીઓ અને સરહદી વિસ્તારના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમાંય દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ સરહદ પર ઝાબુઆ જિલ્લો આવેલ છે. ઝાબુઆ જિલ્લાના લોકોની સતત દાહોદમાં અવર જવર કોઈને કોઈ કારણોસર રહે છે. તે પછી રોજગાર, ધંધો હોય કે, દવાખાના, હોસ્પિટલના આંટા ફેરા હોય. મધ્યપ્રદેશ તરફથી ખાસ કરીને દર્દીઓને ગુજરાત તરફ સારવાર માટે લાવવામાં આવે છે. ગુજરાત સરકારના આ આર.ટી.પી.સી.આર.ટેસ્ટ ફરજીયાતના નિર્ણયને પગલે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના લોકો ચિંતામાં મુકાયા છે કારણ કે, જાણવા મળ્યા અનુસાર, ઝાબુઆ જિલ્લામાં રેપીટ ટેસ્ટના રિપોર્ટ તો ચોવીસ કલાકની અંદર મળી જાય છે. પરંતુ આર.ટી.પી.સી.આર.ના ટેસ્ટના સેમ્પલો ઈન્દૌર મોકલવામાં આવતાં હોય છે અને ત્યાંથી તેના રિપોર્ટો આવતાં ચાર થી પાંચ દિવસ જેટલો સમય લાગતો હોય છે.
ત્યારે આવા સમયે કોઈ ઈમરજન્સી કામકાજ હોય તો તેમાં અટવાઈ જવાની પણ ઝાબુઆ જિલ્લાવાસીઓને ડર સતાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાંથી પણ રોજેરોજ ઘણા લોકો ઝાબુઆ જિલ્લામાં કોઈને કોઈક કામકાજ અર્થે કે, ધંધારોજગાર માટે જતાં આવતાં હોય છે. ત્યારે દાહોદ જિલ્લાવાસીઓમાં પણ અનેક પ્રશ્ર્નો ઉદ્ભવી રહ્યાં છે. ખાસ કરીને હાલ હોળી પત્યા બાદ લગ્નસરાની સીઝન હોળી દાહોદ જિલ્લામાં આસપાસના રાજ્યોના લોકોના ખરીદી કરવા માટે પણ ભારે ભીડ ઉમટી પડે છે. દાહોદ જિલ્લામાંથી તો ગ્રામીણ વિસ્તારના લોકો અન્ય જિલ્લામાં મજુરી કામ અર્થે જતાં રહે છે. ત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો પર પણ દાહોદ જિલ્લાનો વેપાર, ધંધો નિર્ભર કરતો હોય છે. ત્યારે આવા સમયે દાહોદ જિલ્લાના વેપાર, ધંધા પર પણ માઠી અસર પડી શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યાં છે.